સિદ્ધનાથ તળાવ પાસે ચાર મહિનાથી દુર્ગંધયુક્ત પાણી, VMCની બેદરકારીથી રોષ; “અધિકારીઓ અને કાઉન્સિલરો ઉત્સવોમાં વ્યસ્ત’ પ્રજાના પડતર પ્રશ્નો માં નથી કોઈને રસ” સીધો આક્ષેપ
વડોદરા : શહેરની મધ્યમાં આવેલા સિદ્ધનાથ તળાવ નજીક શિયાબાગ વિસ્તારની વિશ્વમૂર્તિ કોલોનીમાં છેલ્લા ચાર મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યાએ સ્થાનિકોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે. પીવાલાયક પાણીના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે હવે રહીશોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર મહિનાથી તેમના ઘરોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, જે પીવા કે અન્ય કોઈ ઘરવપરાશ માટે યોગ્ય નથી. આ દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
વિશ્વમૂર્તિ કોલોનીના જાગૃત નાગરિકોએ આ સમસ્યાના નિવારણ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે. જેમાં લેખિત અરજીઓ, ઓનલાઈન ફરિયાદો, અને રૂબરૂ પાલિકા કચેરી જઈને અધિકારીઓનું ધ્યાન દોરવાનો પણ સમાવેશ થાય છે. જોકે, આટલી બધી રજૂઆતો છતાં પાલિકાના તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યાનો કોઈ કાયમી કે સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. જોકે, આટલી બધી રજૂઆતો છતાં પાલિકાના તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યાનો કોઈ કાયમી કે સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.

રહીશોનો સૌથી મોટો રોષ તેમના વિસ્તારના કાઉન્સિલરો અને પાલિકાના સંબંધિત અધિકારીઓ સામે છે. સ્થાનિકોએ સીધો આક્ષેપ કર્યો છે કે, “વિસ્તારના કાઉન્સિલરો તેમજ અધિકારીઓ માત્ર પોતાના અંગત કામોમાં અને ઉત્સવો ઉજવવામાં વ્યસ્ત હોય છે. પ્રજાના પડતર પ્રશ્નોને વાચા આપવામાં કોઈને રસ નથી.”
એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, “અમને શુદ્ધ પીવાનું પાણી પણ ન મળે તો અમારે નેતાઓને શા માટે ચૂંટવા? અમારા માટે જ્યારે કોઈ કામ જ થતું નથી, તો અમે હવે તેમને સત્તા પર લાવવામાં કોઈ રસ નથી.”

પાલિકાની ઉદાસીનતાથી ત્રસ્ત થઈને વિશ્વમૂર્તિ કોલોનીના રહીશોએ હવે આકરો નિર્ણય લીધો છે. જો આગામી દિવસોમાં આ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો સમગ્ર કોલોનીના લોકો દ્વારા આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત, કોર્પોરેશનની કચેરી સામે ઉગ્ર આંદોલન શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેથી તંત્ર જાગે અને તાત્કાલિક પગલાં લે.
સ્થાનિકોની આ ગંભીર ચીમકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક મોટો પડકાર છે. નાગરિકોના મૂળભૂત પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવું અને તેમની તંદુરસ્તીની સુરક્ષા કરવી એ પાલિકાની પ્રાથમિક ફરજ છે. હવે જોવાનું એ રહે છે કે, પાલિકા તંત્ર અને સ્થાનિક કાઉન્સિલરો આ મામલે ક્યારે ગંભીરતા દાખવીને કાર્યવાહી કરે છે.