હજુ ઉનાળો શરૂ થયો ત્યાં જ વડોદરામાં પાણીનું સંકટ ઘેરાયું
સ્માર્ટ સિટી થવા મથતું વડોદરા શહેર ગંભીર પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે, વોર્ડ નંબર 8 આવેલ ગોરવા વિસ્તારની ચંદ્રલોક સોસાયટીના રહેવાસીઓ દૂષિત પાણીનો ભોગ બની રહ્યા છે. વારંવાર ફરિયાદો છતાં, વહીવટીતંત્રની નિષ્ક્રિયતાથી વ્યાપક આક્રોશ ફેલાયો છે, સ્થાનિક લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને માટલા ફોડ્યા હતા.
પૂર્વ નગર સેવક વિરેન રામીના નેતૃત્વમાં, મહિલાઓના એક જૂથે કાળી પટ્ટી પહેરીને વહીવટીતંત્રની ઉદાસીનતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરતા નાગરિકોએ મેયર અને કમિશનરની કચેરીઓમાં દૂષિત પાણી રેડવાની ધમકી આપી હતી, જે સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.


ગોરવા વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે ત્યારે સ્થાનિક લોકોને પાણી ન મળતા સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. મહિલાઓએ પાલિકાના અણઘડ વહિવટ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, ઘરના વાસણો ધોવા માટે પણ પાણી રહ્યું નથી. અહિંયા તો ઘણાં સમયથી પાણીની સમસ્યા છે. પાણીનો પ્રશ્ન હલ કરવા માટે પાલિકા તંત્ર સમક્ષ થાળી વેલાં વગાડી પાણી ની માંગ કરી હતી.

ચંદ્રલોક સોસાયટીના રહેવાસીઓ મહિનાઓથી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ કોઈ રાહત દેખાતી નથી. આ મુદ્દાને ઉકેલવામાં વહીવટીતંત્રની નિષ્ફળતાને કારણે ગોરવાના સ્થાનિકો ને પાલિકાના અધિકારીઓ પર ભરોષો તુંટી ગયો છે.


વિરેન રામીએ વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા, નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની તેમની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા. “જો વહીવટીતંત્ર તેના નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડી શકતું નથી, તો સ્માર્ટ સિટીનો ટેગ એક બનાવટી સિવાય કંઈ નથી,” રામીએ કહ્યું.
આ વિરોધ પ્રદર્શનથી શહેરના પાણીના સ્તોત્ર પર તંત્રે ધ્યાન આપવું ખૂબ અગત્ય બની ગયું છે, ઘણા લોકો સ્માર્ટ સિટી પહેલની અસરકારકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરિસ્થિતિ વધુ બગડતી જાય છે, પાલિકાનું વહીવટીતંત્ર આ કટોકટીનો કેવી રીતે સામનો કરશે અને નાગરિકોને પ્રાથમિક સુવિધા ઓ ક્યારે અને કેવી રીતે પૂરી પાડશે તે જોવાનું રહ્યું.
