Vadodara

દૂધ મંડળીમાં મૃત સભ્યોના નામે દૂધ ભરાવીને નાણાં ઉપાડયાં, બરોડા ડેરીમાં કૌભાંડનો કેતન ઇનામદારનો આક્ષેપ

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી સહિત 9 જગ્યાએ પત્ર લખી તપાસની માંગ કરી


65 કરતાં વધુ સભાસદોની પ્રવૃત્તિ પર શંકા: કેતન ઈનામદાર

ઇલેક્શન નજીક હોય ત્યારે ફરી એકવાર બરોડા ડેરીનું ભૂત ધૂણ્યું


વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના નાણાંકીય કૌભાંડના ભાજપના ધારાસભ્યે આક્ષેપ કર્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ઉપરાંત મુખ્યમંત્રી, સહકાર મંત્રી અને ડેરીના ચેરમેન સહિત 9 જગ્યાએ પત્ર લખી તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે.



મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઈઝરે મરણ પામેલા સભાસદના નામે દૂધ ભરાવ્યું હોવાનું બતાવી બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડ્યા હોવાનો ધારાસભ્યે દાવો કર્યો છે.
મૃત વ્યક્તિના ખાતામાંથી લેવડદેવડ કરાઈ હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.


ધારાસભ્યે લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, 65 કરતાં વધુ સભાસદોની પ્રવૃત્તિ પર શંકા છે. જેમાંથી 8 થી 10 સભાસદો, જેવા કે ભુરીબેન રમણભાઈ પરમાર, કાલુભાઈ મહીજીભાઈ પરમાર, ઉદાભાઈ છગનભાઈ ચૌહાણ વગેરેના મૃત્યુ થયા બાદ પણ તેમના ખાતામાં નિયમિત દૂધ ભરાવાનું અને રૂપિયા ઉપાડવાનું ચાલુ રહ્યુ છે. ત્યારે સવાલ એ છે કે, મૃત વ્યક્તિના ખાતામાં દૂધના રૂપિયા કેવી રીતે જમા થયા?, પૈસા કોણે ઉપાડ્યા?, શું ખાતા ખરેખર જીવિત હોવાનું દર્શાવાયું હતું?, અને શું દૂધની માત્રા સાથે અવ્યવસ્થિત ગણતરી કરવામાં આવી છે. કેટલા સમયથી આવું કૌભાંડ ચાલી રહ્યું છે?, દરેક સભ્ય દીઠ આશરે 60-70 લિટર દૂધ ભરાયેલું બતાવવામાં આવ્યું છે. તો શું આ સભાસદો પાસે આટલું પશુધન હતું?
કૌભાંડ મેરાકુવા સુધી સીમિત નથી?
ધારાસભ્ય કેતન ઇનામદારે શંકા વ્યક્ત કરી છે કે આવી ગેરરીતિ માત્ર મેરાકુવા મંડળી સુધી સીમિત નથી. પરંતુ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અન્ય દૂધ મંડળીઓમાં પણ ઘણી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમણે દાવો કર્યો છે કે, બરોડા ડેરી અને વડોદરા સેન્ટ્રલ કો– ઓપરેટિવ બેન્ક દ્વારા વિસ્તારપૂર્વક તપાસ થાય તો પદાધિકારીઓની ભ્રષ્ટ પ્રવૃત્તિઓનો પર્દાફાશ થશે.

કેતન ઈમાનદારે ચીમકી આપતા કહ્યુ છે કે, ગરીબ પશુપાલકોની મહેનત સાથે થયેલી છેતરપિંડી અત્યંત નીંદનીય છે. મૃત વ્યક્તિના નામે દૂધ ભરાવવું અને નાણાં ઉપાડવાં એ ગેરકાયદે ભ્રષ્ટાચાર છે. બરોડા કો-ઓપરેટિવ બેન્ક દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ મામલે બરોડા ડેરીએ તપાસ કરી દોષિત પદાધિકારીઓ સામે પગલાં લેવાં જોઈએ.

આ બાબતે બરોડા ડેરીના એમડી અજયકુમાર જોશીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય કેતનભાઈનો પત્ર મળ્યો છે અને તેમની સાથે ટેલિફોનીક વાત પણ થઈ છે. અમે આવતીકાલથી આ મામલાની તપાસ કરાવીશું અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે.

Most Popular

To Top