ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પર તંત્રના થીંગડા
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉમેટા બ્રિજની જર્જરિત હાલત ચિંતાજનક છે ત્યારે હવે તંત્રે ખાડા પૂરવાનું શરૂ કર્યું
વડોદરા: વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હોવાની માહિતી છે, આ બાદ વાહન વ્યવહારને ઉમેટા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પણ ચિંતાનો વિષય બની છે, જે ભારે વાહનોનો ભાર સહન કરવા સક્ષમ નથી. ત્યારે તંત્રને કુટેવ પડી ગઈ છે કે, આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો. એટલા માટે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ તંત્ર જાગ્યું છે અને તેને ઉમેટા બ્રિજના ખાડા દેખાતા તેના પર થીંગડા મારવાના શરુ કર્યા છે. પરંતુ શું થીંગડા મારવાથી આ બ્રિજની ગુણવત્તા સુધરશે?

મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગંભીરા બ્રિજ પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની પણ ખસ્તા હાલતને કારણે ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હળવા વાહનોને ઉમેટા માર્ગે, જ્યારે ભારે વાહનોને વાસદ માર્ગે ડાયવર્ટ કરાયા છે. ત્યારે ઉમેટા બ્રિજનું માળખું પણ નબળું હોવાનું સામે આવ્યું છે, જે ભારે વાહનોનો ભાર સહન કરવા લાયક નથી. તંત્રે ખાડા પૂરવા અને થીંગડા મારવાનું શરૂ કર્યું છે, પરંતુ આ અસ્થાયી ઉકેલથી સ્થાનિકોમાં નારાજગી છે. સ્થાનિકોએ નવા બ્રિજની માંગ તીવ્ર કરી છે અને 2022માં આપેલી ચેતવણીઓની અવગણના અને પ્રશાસનની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે.

9 જુલાઈ, 2025ના રોજ ગંભીરા બ્રિજનો 10-15 મીટર લાંબો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે બે ટ્રક, બે વાન, એક ઓટોરિક્ષા અને એક બાઇક મહીસાગર નદીમાં ખાબક્યા. આ ઘટનામાં 19 લોકોના મોત થયા, જેમાં એક પરિવારના છ સભ્યો અને એક બાળકનો સમાવેશ થાય છે. ત્યાર બાદ જાગેલું તંત્ર ઉમેટા બ્રિજ સહિત તમામ બ્રિજો ની સરકાર દ્વારા ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા અને શહેર અને જિલ્લા ના તમામ બ્રિજો ના રિપોર્ટ મુજબ 43 બ્રીજો માંથી 41 બ્રિજ સેફ અને બાકી બે બ્રિજ અન સેફ જાહેર કરવામાં આવ્યા હતા. તેવામાં ઉમેટા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બ્રિજ પર પડેલા ખાડા પર તંત્ર દ્વારા લિપાપોથી કરી પોતાની કામચોરી ને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકત માં આ બ્રિજ પણ ગમે ત્યારે કડડભૂસ થાય તેવી પરિસ્થિતિ સામે આવી છે. જે પિલ્લરો પર બ્રિજ ઉભો છે તે પિલ્લરના સળિયા બહાર નિકળ્યા હોય તે સ્પષ્ટ દેખાય છે તો બ્રિજની નીચે પણ ગાબડા પડી ગયા છે અને સ્લેબમાંથી સળિયા બહાર આવી ગયા હોય તે સ્પષ્ટ નજરે પડે છે.
