ઘર પાસે રમતા બાળકોને કપિરાજે બચકાં ભરી લોહીલુહાણ કર્યા, એક બાળકને વધુ ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
શહેરના છેવાડે આવેલા દુમાડ ગામ પાસે આવેલી મારુતિવિલા સોસાયટીમાં રવિવારે કપિરાજના હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે. સોસાયટીમાં ઘર પાસે રમી રહેલા બે બાળકો પર અચાનક વાનરસેનાએ હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મારુતિવિલા સોસાયટીમાં રહેતા બે બાળકો પોતાના ઘરના આંગણામાં રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ધસી આવેલા કપિરાજે બાળકો પર હિંસક હુમલો કર્યો હતો. વાનરોએ બાળકોને શરીરના ભાગે આડેધડ બચકાં ભરી લેતા બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. બાળકોનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને વાનરોને ભગાડ્યા હતા. આ હુમલામાં બંને બાળકો ઘાયલ થયા છે, જે પૈકી એક બાળકની ઈજાઓ ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ ત્યાં બાળકની સારવાર ચાલી રહી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાનરોનો ત્રાસ વધી રહ્યો છે. આ હિંસક હુમલા બાદ સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વાલીઓ હવે બાળકોને ઘરની બહાર મોકલતા પણ ડરી રહ્યા છે. રહીશોએ માંગ કરી છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકીને આ હિંસક વાનરોને પાંજરે પૂરવામાં આવે જેથી વધુ કોઈ મોટી હોનારત સર્જાય નહીં.