Vadodara

દીપાવલીનું વેકેશન પૂરું: લાભપાંચમે વડોદરાના બજારો ધમધમ્યા, વેપારીઓએ કર્યા વેપાર ધંધાના શ્રીગણેશ

પાંચ દિવસના વિરામ બાદ શહેરના માર્ગો પર ચહલપહલ વધી, ફૂલ બજારમાં પણ ભારે ધસારો

વડોદરા દીપાવલી પર્વની રંગેચંગે ઉજવણી બાદ આજે લાભપાંચમના પાવન દિવસે વડોદરા શહેરના વેપારીઓએ ઉત્સાહભેર વેપાર-ધંધાના શ્રીગણેશ કર્યા હતા. પાંચ દિવસના મિનિ વેકેશન બાદ શહેરના નાના-મોટા બજારો ફરી ધમધમી ઉઠ્યા હતા, જેના કારણે માર્ગો પર પણ વાહનોની અવરજવર વધી ગઈ હતી અને ગઈકાલ સુધી સૂમસામ જણાતા રસ્તાઓ પર ચહલપહલ જોવા મળી હતી.

વિક્રમ સંવત 2082 સારું જાય તેવા શુભ આશય સાથે વેપારીઓએ પૂજા-અર્ચના કરીને પોતાના વેપારની શરૂઆત કરી હતી. નાના વેપારીઓથી માંડીને મોટા વેપારીઓએ ધંધાના સ્થળોને ફૂલોના હારથી શણગારી દીધા હતા અને મુહૂર્તના સોદા કર્યા હતા. ફૂલ બજારમાં પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.
પાંચ દિવસના વિરામ બાદ બજારો ખુલતા જ આગામી સમયમાં શરૂ થનાર લગ્ન મોસમના પગલે ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. પરિવારો લગ્ન પ્રસંગોને ધ્યાનમાં રાખીને કપડાં, સોના-ચાંદી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા નીકળ્યા હતા. શોપિંગ મૉલમાં તેમજ હાથીખાના બજારમાં પણ લગ્નસરાની મોસમની ખરીદી પૂરજોશમાં જોવા મળી હતી, જેના કારણે બજારોમાં ભારે ચહલપહલ હતી.
લાભપાંચમના પવિત્ર દિવસે અનેક લોકો દ્વારા નવા વેપાર-ધંધાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, બિલ્ડરોએ પણ નવી કન્સ્ટ્રકશન સાઇટો માટે ખાતમૂહુર્ત કર્યા હતા. પાવન પર્વ નિમિત્તે કેટલાક લોકોએ નવા વ્હિકલો તેમજ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની પણ ખરીદી કરી હતી.
​જો કે, કેટલાક વેપારીઓ મુહૂર્તના સોદા કરીને તરત જ દુકાનો બંધ કરી પરિવાર સાથે ફરવા માટે નીકળી પડ્યા હતા. એકંદરે, લાભપાંચમનું પર્વ વડોદરા શહેરના વેપાર-ધંધા માટે શુભ અને ઉત્સાહભેર શરૂઆત લઈને આવ્યું છે.

Most Popular

To Top