મકાન,દુકાન,ગોડાઉન સહિતના એકમોમાં આગના કારણે મોટું નુકસાન
ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોડ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળતા જાનહાનિ થતા ટળી



( પ્રતિનિધી )વડોદરા,તા.25
વડોદરામાં દીપાવલીના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે વીતેલા સાત દિવસોમાં નાના મોટા 45 થી વધુ આગના બનાવો બન્યા હતા. જેના કારણે ફાયર વિભાગના કંટ્રોલરૂમનો ટેલીફોન રણકતો રહ્યો હતો. જોકે,ફાયર બ્રિગેડના જવાનો ખડેપગે રહ્યા હતા. તાબડતોડ જવાનોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળી લીધી હતી. જેના કારણે આગના બનાવોમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જ્યારે, આગના બનાવોમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું હતું.
ઉત્સવપ્રિય નગરી વડોદરામાં દીપાવલીના તહેવારોમાં ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બન્યા હતા. વડોદરા શહેર ફાયર વિભાગને 45 થી વધુ આગ લાગવાના કોલ મળ્યા હતા. જેમાં મોટા બે બનાવોમાં મકરપુરા જીઆઇડીસીની ઓમજીન લાઈફ સાયન્સીસ પ્રા.લી કંપનીની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કંપનીમાં ફ્રિજની અંદર કેમિકલ સ્ટોર કરેલા હતા. જેમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં જીઆઇડીસી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે તરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ફટાકડાની ચીંગારીથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી કામગીરી શરુ કરી હતી. આગના કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થયો હતો.મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે આવેલ સ્ટેરી હાઇટ્સ ફ્લેટમાં પણ આગ લાગવાની ઘટના બની હતી.મકાનમાં રીનોવેશનની કામગીરી ચાલતી હોય માટે સામાન ટેરેસ પર મુક્યો હતો. જેમાં ફટાકડાનું તણખલું આવીને પડતા આગ લાગી હતી. લક્ષ્મીપુરા વિસ્તારમાં પણ સાફલિય 360 નામે એક નવ નિર્માણ પામી રહેલી કંસ્ટ્રક્શન સાઈડમાં પણ આગ ભભૂકી હતી. આશરે દસ મજલી ધરાવતી ઈમારત બહાર લગાવવામાં આવેલી નેટમાં તાડપત્રીમાં ફાટકડાનું તણખલું આવી પડતા આગ ભભૂકી હતી. જ્યારે, ગોરવા વિસ્તારમાં આવેલી ચંદ્ર લોક સોસાયટીમાં ગેસ લીકેજને કારણે ડ્રેનેજ ચેમ્બરમાં વિસ્ફોટ થતા ડ્રેનેજના ઢાંકણા ચાર ફૂટ ઊંચે સુધી ઉછળ્યા હતા.જેમાં પણ આગ લાગી હતી. સદનસીબે લોકોનો બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે બીજી તરફ રાજમહેલ રોડ પર આવેલા પીરામિતાર રોડ પર એક ઘરમાં ગેસલાઈન લિકેજના કારણે આગના ભડકા નીકળ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આગ લાગી હોવાનો કોલ મળતા ફાયરબ્રિગેડ અને ગેસ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને વિસ્તારનો ગેસ પુરવઠો બંધ કરીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ તમામ આગજનીના બનાવોમાં ફાયરબ્રિગેડના જવાનોએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.