વાઘોડિયા રોડની મહિલાએ શાદીડોટ કોમ પરથી સુરતના યુવક સાથે લગ્ન કર્યાં
વારંવાર કહેવા છતાં પિયરમાં મહિલાને તડી નહી જતા મહિલાએ કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો પણ મુદતમાં હાજર રહેતો નથી
શાદી ડોટ કોમ દ્વારા મુરતીયો પસંદ કરીને વડોદરાની મહિલાએ સુરત ખાતે એન્કેલેર બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન નવ દહાડા બાદ સાસરીયાનું પોત પ્રકાશ્યું હતું અને પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરીયાઓએ દીકરીને જન્મ આપ્યા બાદ પરીણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. તેને ફરી તેડી નહી જતા મહિલાએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. નોટીસ આપવા છતાં પતિ કોર્ટની મુદતમાં હાજર રહેતો ન હતો. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ છે તેમ કહી વારંવાર ધમકી પણ આપી ચૂક્યો હતો. જેથી કંટાળીને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરના વાઘોડિયા રોડ પર આવેલી આદિત્ય ડુપ્લેક્ષમાં રહેતા શ્રેયાબેન હિતેશકુમાર ચોક્સી એલ એન્ડ ટી કંપનીમાં આસિ. મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારુ પ્રથમ લગ્ન અનમોલ અજય શેઠ (રહે.વડોદરા) સાથે વર્ષ 2017માં થયુ હતું. પરંતુ અમારી વચ્ચે મનમેળ નહી થતા સમજૂતીથી છુટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ શાદી ડોટ કોમ પરથી મુલાકાત થયા બાદ નિરવ દિવ્યેશ ઠક્કર સાથે વર્ષ 2018માં લગ્ન થયા હતા. લગ્ન બાદ મારા માતા પિતા તથા સંબધીઓએ સોનાના દાગીના અને કરિયાવર લઇને સુરત ખાતે સાસરીમાં રહેવા માટે ગઇ હતી. પરંતુ મારા પતિ ગુસ્સાવાળા હોય મારા સાસુ સસરાને જાણ કરી છતાં તેઓ પતિને સમજાવવા કહેવા છતાં મને વધારે હેરાન કરતા હતા. પરંતુ મારુ લગ્ન જીવન સારી રીતે ચાલે તેવુ વિચારી બધુ સહન કર્યા કરતી હતી. વર્ષ 2021માં મારે દીકરીનો જન્મ થયો હતો. પુત્રીના જન્મ બાદ પણ પતિમાં કોઇ સુધારો આવ્યો ન હતો અને સાસુ પણ પતિની ચઢામણી કરતા હતા. મારા પતિએ મને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી હુ મારા પિતાને ઘરે રહેતી હતી. પતિ સહિત સાસરીયાને તેડી જવા માટે ઘણા મનામણાં કર્યાં હતા પરંતુ તેઓ મને તેડી જતા ન હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ છે તેમ કહીને મારા પર પતિ દબાણથી છેટાછેડાની માગણી કરતા હતા. મારા પતિ જ્યારે મને રૂમમાં પુરીને માર મારતા હતા ત્યારે સસરા દિવ્યેશ ઠક્કર તથા સાસુ ઉર્વશી ઠક્કર મદદ કરતા હતા. મારા પતિ સુરત ખાતે એન્કેલર બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ય ચલાવે છે અ્ને ઓળખાણ બનાવીને વારંવાર ધમકી આપે છે.મારા ભાઇના લગ્ન વખતે દાગીના પહેરવા માટે માગ્યા હતા પરંતુ આપ્યા ન હતા. જેથી મે પતિ વિરુદ્ધ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યોછે જે મુદ્દતમાં કોર્ટમાં પણ નોટીસની અવગણના કરે હાજર રહેતો નથી. જેથી મહિલા પોલીસે પતિ નિરવ ઠક્કર, સસરા દિવ્યેશ ઠક્કર સાસુ ઉર્વશી ઠક્કર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.