પ્રતિબંધ ઉઠે તો પ્રવાસીઓ ફરી આવતા થાય, મામલતદારને આવેદનપત્ર અપાયું
શિનોર : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેરના મઢી પાસેના નર્મદા નદીના પાણીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, તેને તાત્કાલિક ઉઠાવી લેવા અને દિવેર મઢી નર્મદા નદીના પાણીમાં નાહવા માટે છૂટ આપવા દિવેર ગામના ગ્રામજનો દ્વારા શિનોર તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

શિનોર તાલુકાના નર્મદા નદીના કિનારે દિવેર મઢી ખાતેના નર્મદાના પાણીમાં દૂર દૂરથી પ્રવાસીઓ સ્નાન કરવા સાથે પીકનીકની મોજ માણવા આવતા હતા. નર્મદા નદીનો મઢી ખાતેનો પટ વિશાળ હોય અને નર્મદા નદીનું પાણી ક્યાંક છીછરૂ તો ક્યાંક ઊંડું હોય તેવા આ સ્થળમાં નાહવા પડતા સહેલાણીઓ ડૂબી જવાના અવારનવાર બનાવો બનતા વડોદરા જિલ્લા કલેકટર દ્વારા અહીં નાહવા ઉપર તારીખ 1/ 4 /2025 સુધીનું પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા વર્ષથી નર્મદા નદીનો દિવેર મઢી ખાતેનું સ્થળ પ્રવાસીઓ માટે એક દિવસીય પ્રવાસ પ્રવાસ સ્થળ માટે ખૂબ જાણીતું હતું. તેને કારણે દિવેર ગામના 200 પરિવારજનો રોજીરોટી મેળવતા હતા. પ્રતિબંધિત જાહેરનામાને કારણે દિવેર ગામના રોજીરોટી મેળવતા પરિવારજનો બેરોજગાર બન્યા છે . ગુજરાતભરમાંથી હજારો સહેલાણીઓ વડોદરાના દિવેર મઢી ખાતે પ્રવાસ માટે આવી શકે તે માટે પ્રતિબંધિત જાહેરનામાને લંબાવવું નહીં અને નર્મદા નદીના પાણીમા નહાવા માટે તત્કાલ ખુલ્લુ મુકાય એવું લેખિતમાં શિનોર મામલતદાર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
