ચોમાસા બાદ ઉનાળા જેવી ગરમી શું ઠંડી આવશે કે સીધો ઉનાળો જ આવશે?
શહેરમાં ગરમીનો મહતમ પારો 36.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ 21.2 ડિગ્રી સે.નોંધાયો..
સામાન્ય રીતે ચોમાસાની ઋતુ બાદ શારદીય નવરાત્રીથી વહેલી સવારથી ઠંડક શરૂ થઇ જતી હોય છે અને દિવાળી સુધી વાતાવરણમાં ઠંડક આવી જતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની ઋતુ બાદ ઠંડકભર્યુ વાતાવરણ થવાને બદલે ઉનાળાની ઋતુમાં જે રીતે ગરમી પડતી હોય છે તે રીતે ગરમીનો અનુભવ લોકોને કરવો પડી રહ્યો છે. શહેરમાં તા. 31મી ઓક્ટોબરે મહતમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુતમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા સમયથી પૃથ્વીના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગની અસરને માનવામાં આવી રહ્યું છે. જે રીતે દેશમાં છેલ્લા કેટલાક સમયથી અતિવૃષ્ટિ, અસહ્ય ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગ્લેશિયરો પીગળી રહ્યાં છે દરિયામાં પ્લાસ્ટિક કચરો, ધરતી ઉપર કુદરતી જંગલોના નિકંદન કરી જે રીતે વિકાસ માટે કોંક્રિટોના જંગલો સ્થાન લ ઇ રહ્યાં છે ત્યારથી વાતાવરણમાં ચોક્કસ પરિવર્તનો જોવા મળી રહ્યાં છે.
હાલ દિવાળીના પર્વે શહેરીજનો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે લોકો દિવાળી સમયે પણ એ.સી.,કૂલર નો વપરાશ કરવા મજબૂર બન્યા છે. દિવાળી પર્વે વડોદરા શહેરમાં કેટલાક શહેરીજનોએ તો એ.સી.બુક કરાવ્યા અને ખરીદી કરી છે. દિવાળી સમયે મહતમ તાપમાન 0.6ડિગ્રી નો વધારો થયો છે જો કે હવામાં ભેજનું પ્રમાણ 33% રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ ઘટ્યુ છે જે ઉત્તરના સૂકા પવનની અસરને કારણે રહ્યું છે રાત્રી દરમિયાન પણ પવન મંદ રહેતાં હજી ઠંડકની આશા ઠગારી નિવડી રહી છે.
આવું વાતાવરણ ભાગ્યે જ જોવા મળે છે. આ વર્ષે લોકો દિવાળી તથા હિન્દુ નવવર્ષ નિમિત્તે દિવસ તથા રાત્રે પણ ગરમીનો અનુભવ કરશે. જો કે દિવાળી બાદ રાત્રે તથા વહેલી પરોઢે થોડી ઠંડક અનુભવી શકાશે જ્યારે બપોરે હજી પણ ગરમી ને કારણે લોકોને બેવડી ત્રૃતુનો અનુભવ થશે. આવતા અઠવાડિયા સુધી આ રીતે લોકોને બેવડી ત્રૃતુનો અનુભવ થશે ત્યારબાદ ધીમે ધીમે ઠંડીનું આગમન થશે જ્યારે નવેમ્બરના અંતમાં ઠંડી જામશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.
હાલમાં જે રીતે વાતાવરણ સર્જાયું છે તેને લ ઇને લોકોને શરદી, ખાંસી જેવી સમસ્યાઓ વધી શકે છે.
દિવાળીના પર્વમાં ગરમી પીછો નથી છોડી રહી ગ્લોબલ વોર્મિગને પગલે હવે પહેલાં જેવો ઉત્સાહ, ઉંમંગ હવે તહેવારોમાં જોવા મળતા નથી. એક રીતે કહી શકાય કે, ગરમીએ આ વખતે દિવાળીની મઝા જ ઝાંખ્ખી કરી નાંખી છે. આગામી હજી આઠ થી દસ દિવસ સુધી આ રીતે વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે.
હાલમાં જે રીતે ઉનાળા જેવું વાતાવરણ છે ત્યારે તબીબો દ્વારા લોકોને હાઇડ્રેટ રહેવા તથા બિનજરૂરી બહાર ન નિકળવા સલાહ આપી છે.