5 કરોડથી વધુ ભારતીયો ડાયાબિટીસથી પીડિત: તહેવારોમાં બ્લડ સુગરમાં 20-30% વધારો થવાનો ખતરો
વડોદરા સહિત દેશ માટે મીઠાઈ વગર દિવાળી અને ત્યોહાર અધૂરા છે. જોકે, આ મીઠાઈઓ ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર વધારવાનો મોટો પડકાર લાવી શકે છે. થોડી સમજણ અને સંયમ સાથે, ડાયાબિટીસના દર્દીઓ પણ તેમના બ્લડ સુગરના સ્તરમાં વધારો કર્યા વિના તહેવારોની સંપૂર્ણ મજા માણી શકે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, ભારતમાં 45 વર્ષથી વધુ ઉંમરના આશરે 20% લોકો ડાયાબિટીસથી પીડાય છે, એટલે કે 5 કરોડથી વધુ લોકોને આ રોગ છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં લોકો બોર્ડરલાઇન ડાયાબિટીસ ધરાવે છે. તહેવારોના સમયમાં, જો આહાર પર ધ્યાન ન આપવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગર લેવલમાં 20-30% જેટલો વધારો થઈ શકે છે. મીઠાઈઓ ઉપરાંત, તળેલા નાસ્તા અને તણાવ પણ સુગર લેવલ વધારે છે. જોકે, અગાઉથી આયોજન કરીને આ સમસ્યા ટાળી શકાય છે.
નિષ્ણાત તબીબોના મતે, મીઠાઈઓનું સેવન તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, સ્વાદ પણ જળવાઈ રહે અને સ્વાસ્થ્યને નુકસાન પણ ન થાય તે માટે મીઠાઈઓ મધ્યમ માત્રામાં ખાવી શ્રેષ્ઠ ઉપાય છે. એક સમયે વધુ પડતી મીઠાઈઓ ખાવાનું ટાળો અને તેના માટે ચોક્કસ સમય નક્કી કરી શકાય છે.
બ્લડ સુગર નિયંત્રિત રાખવા માટેના મુખ્ય ઉપાયો:
1.ખાલી પેટે મીઠાઈ ન ખાવી:
ખાલી પેટે મીઠાઈ ખાવાથી લોહીમાં ગ્લુકોઝ ઝડપથી મુક્ત થાય છે અને સુગરમાં તીવ્ર વધારો થાય છે. પેટમાં થોડું પ્રોટીન અથવા ફાઇબર હોવાથી સુગર ધીમે ધીમે રિલીઝ થાય છે.
2.ભોજનમાં સૌથી પહેલા મીઠાઈ ન ખાવી:
મુખ્ય ભોજન પહેલાં મીઠાઈ ખાવાથી બ્લડ સુગરમાં ઝડપથી વધારો થઈ શકે છે. પહેલા શાકભાજી, દાળ અથવા સલાડ ખાવાથી ગ્લુકોઝનું શોષણ ધીમું થાય છે.
3.એક જ સમયે ઘણી બધી મીઠાઈઓ ન ખાવી: વધુ પડતી મીઠાઈ ખાવાથી ઇન્સ્યુલિન પર અચાનક ભાર પડે છે. શરીર તેને નિયંત્રિત કરી શકતું નથી અને સુગરનું સ્તર ઝડપથી વધે છે.
4.મીઠાઈ ખાતાં પહેલાં પ્રોટીન અને ફાઇબર ખાઓ: મીઠાઈ ખાતા પહેલાં પુષ્કળ પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઈએ. જેમ કે સલાડ ખાધા પછી જ થોડી મીઠાઈઓ ખાઓ. પ્રોટીન અને ફાઇબર ખાંડના શોષણને ધીમું કરે છે, બ્લડ સુગરના સ્પાઈક્સ ઘટાડે છે અને ઇન્સ્યુલિનને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
5.સ્વસ્થ મીઠાઈઓ પસંદ કરો: ડ્રાય ફૂટ્સ અને શુદ્ધ ઘીથી બનેલી મીઠાઈઓ જેવી સ્વસ્થ ચરબી લોહીના પ્રવાહમાં સુગરને ધીમે ધીમે રિલીઝ કરે છે, જે સુગરના અચાનક વધારાને અટકાવે છે.