*દિવાળીપુરા કોર્ટમાં ઉદ્ઘાટન બાદ છેલ્લા આઠ માસથી બંધ નવીન એડવોકેટ હાઉસમાં વકીલો માટે બેઠક વ્યવસ્થા કરવાની કમિટી મેમ્બર દ્વારા માંગ કરાઇ*
*આઠ મહિનાથી બેઠક વ્યવસ્થાના અભાવે બંધ બિલ્ડિંગ ખંડેર બનવાની ભીતિ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 06
શહેરના દિવાળીપુરા ખાતે આવેલા કોર્ટમાં નવીન એડવોકેટ હાઉસ બનીને તૈયાર થયું હતું જેનું ઉદ્દઘાટન થયે આઠ મહિના થઇ ગયા છે પરંતુ ત્યાં વકીલો માટે બેઠક વ્યવસ્થા કરવામાં ન આવતા તે બંધ હાલતમાં હોય આ બિલ્ડીંગ ખંડેરમાં તબદીલ થવાની ભીતિ સેવાઇ રહી છે જે સમગ્ર મામલે કમિટીના સભ્ય એડવોકેટ વિરાજ ઠક્કર દ્વારા વડોદરા વકીલ મંડળના પ્રમુખ ને પત્ર લખી બેઠક વ્યવસ્થા ફાળવવાની માંગ કરી છે.

વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે નવીન કોર્ટ બની હતી ત્યારે વકીલોએ બેઠક વ્યવસ્થા માટે નિયત રકમ રૂ.10,000 ભર્યા હતા .પરંતુ આજે પણ ઘણા વકીલોને બેઠક વ્યવસ્થા ની ફાળવણી થઈ શકી નથી. બીજી તરફ ગત તા. 21-10-2024 ના રોજ નવીન એડવોકેટ હાઉસ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેના આઠ માસ જેટલો સમય વિતી ગયો છે અને હવે ચોમાસું બેસવાની તૈયારીઓ છે. પરંતુ અહીં વકીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અંગેની ફાળવણી આજદિન સુધી કરવામાં આવી નથી. જેના કારણે બિલ્ડિંગ ખંડેર બની જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ વકીલોને પણ બેઠક વ્યવસ્થા ના અભાવે હાલાકી પડી રહી હોય અહીં વહેલી તકે વકીલો માટે બેઠક વ્યવસ્થા ની ફાળવણી કરવાની માંગ સાથે કમિટી મેમ્બર એડવોકેટ વિરાજ ઠક્કરે પત્ર લખી વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલને રજૂઆત કરી છે.સાથે જ નોટરી તથા સિનિયર વકીલોને ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળે પ્રાથમિકતાના ધોરણે બેઠક વ્યવસ્થા ની માંગણી કરવામાં આવી છે તથા તેના ઉપરના માળે મહિલા વકીલ તથા જૂનિયર વકીલોને બેઠક વ્યવસ્થા ફાળવવાની માંગ કરાઇ છે.
આજે આઠ મહિના સુધી આ બેઠક વ્યવસ્થા માટેની વાત એજન્ડા પર લેવામાં આવી નથી કે ઠરાવ કરાયો નથી
નવીન એડવોકેટ હાઉસ તૈયાર થયે એક વર્ષ થયું અને પઝેશન મળે આઠ મહિના થઇ ગયા છે. શરુઆતમાં મોટા ટેબલો હોવાથી અમે નાના ટેબલો મૂકવાની માગણી કરી હતી સાથે જ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર નોટરી અને સિનિયર વકીલોને બેઠક વ્યવસ્થા ફાળવણી, પ્રથમ અને બીજા માળે મહિલા વકીલો તથા ત્રીજા માળે જૂનિયર વકીલોને બેઠક વ્યવસ્થા ની ફાળવણી કરવાની માંગ કરી છે. આજે આઠ મહિના સુધી આ બેઠક વ્યવસ્થા માટેની વાત એજન્ડા પર લેવામાં આવી નથી કે ઠરાવ કરાયો નથી અને જો આ દિશામાં કંઈ કામગીરી કરી હોય તો વકીલો, કમિટી મેમ્બર સમક્ષ શા માટે મૂકવામાં આવી નથી?
-એડવોકેટ વિરાજ ઠક્કર -કમિટી મેમ્બર
નવીન એડવોકેટ હાઉસમાં સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ પંદરેક દિવસમાં વકીલો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે
નવીન એડવોકેટ હાઉસમાં કેટલીક સુવિધાઓ કરવાની બાકી છે. હું વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ મારા સાથી સભ્યો સાથે આ નવીન એડવોકેટ હાઉસમાં જોવા માટે ગયો હતો. એટલે આ એડવોકેટ વિરાજ ઠક્કર ના ધ્યાનમાં આવતાં તેમણે આ મુદ્દે રજૂઆત કરી છે. વકીલોને બેઠક વ્યવસ્થા આપવાની જ છે પરંતુ યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ આપવાની છે. અગાઉ હસમુખ ભટ્ટ પ્રમુખ તરીકે હતા તે સમયે વકીલોએ રૂ.10,000 ભર્યા હતા જેમાંના ચાલીસ થી પચાસ વકીલો હજી બેઠક વ્યવસ્થાથી વંચિત છે. મને પણ રૂમ નથી મળ્યો અને પછી વિરાજ ઠક્કર કમિટીમા હતા. નવીન એડવોકેટ હાઉસમાં સુવિધા ઉપલબ્ધ કરાવી આગામી પંદરેક દિવસમાં નિર્ણય લેવામાં આવશે.
*-એડવોકેટ નલીન પટેલ -પ્રમુખ, વડોદરા વકીલ મંડળ*