પૂરતી પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં આડેધડ રીતે વાહનો પાર્ક કરાતા હોય છે
*ગેરકાયદેસર વાહનો પાર્ક કરનારાઓ સામે પોલીસને સાથે રાખીને લાલ આંખ કરાશે -પ્રમુખ, વડોદરા વકીલ મંડળ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી આડેધડ રીતે વાહન પાર્કિંગની સમસ્યા હવે દિનપ્રતિદિન વધુ વિકટ બની રહી છે. આડેધડ વાહનો પાર્ક કરાતાં વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને હાલાકી વેઠવી પડી રહી છે. કોર્ટની તારીખ પૂર્ણ થયા પછી પણ ઘણા અસીલો પોતાના વાહનો પાર્ક કરીને કોર્ટ સંકુલમાં બેસી રહે છે અથવા તો બહાર ચ્હા નાસ્તાની લારીઓ પર ભટકતા હોય છે જેના કારણે અન્ય વકીલો અને કોર્ટ સ્ટાફને તકલીફ વેઠવી પડી રહી છે.

શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે પૂરતાં પ્રમાણમાં અલાયદી પાર્કિગની જગ્યા તૈયાર કરવામાં આવી હતી. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી અહીં વાહન પાર્કિગની સમસ્યા વિકટ બની ગઇ છે. અહીં કોર્ટ સંકુલમાં ફોર વ્હીલર,ટુ વ્હીલર, થ્રી વ્હીલર માટે અલગથી પાર્કિંગની વ્યવસ્થા છે. તેના માટે અહીં પાર્કિંગ માટે પીળા રંગના પટ્ટા પાડીને વાહનો પાર્ક કરવાની યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. છતાં કોર્ટમાં ગેટ નં 1 થી ગેટ નં. 5 સુધી વકીલો તેમજ અસીલો દ્વારા આડેધડ રીતે પોતાના ટુ વ્હીલર,ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો પાર્ક કરવામાં આવે છે. જેના કારણે અહીં પોલીસના વાહનોને પણ ઘણીવાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવા સમયે તકલીફ પડતી હોય છે. આધુનિક નવીન કોર્ટમાં વાહનોના યોગ્ય પાર્કિંગ માટે સ્ટાફ ન હોવાથી અસીલો તેમજ વકીલો અને કોર્ટ સ્ટાફને જ્યાં જગ્યા દેખાય ત્યાં પોતાના વાહનો પાર્ક કરી દેવામાં આવે છે.ઘણીવાર કોર્ટમાં તારીખ ભરવા આવતા અસીલો કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ પણ પોતાના વાહનો પાર્ક કરીને કોર્ટમાં બેસી રહેતા હોય છે અને ઘણીવાર પોતાના વાહનો કોર્ટ પરિસરમાં સુરક્ષિત પાર્ક હોવાથી બહાર ખાણીપીણીની લારીઓ,હોટલો અથવા ચ્હાની કિટલીઓ પર બેસી રહે છે .

ખાસ કરીને ઓટો રીક્ષાવાળા કેટલાક અસીલો કોર્ટની મુદતે તારીખ ભરવા આવતા હોય છે અને કોર્ટ કાર્યવાહી બાદ પણ ઓટો રિક્ષામાં બેસી રહે છે આરામ ફરમાવતા હોય છે .જેના કારણે અન્ય અસીલો અને વકીલોને પોતાના વાહનો પાર્ક કરવા માટે હાલાકી પડે છે. કોર્ટના તમામ પ્રવેશ ગેટ પાસે, એડવોકેટ હાઉસ પાસે પણ આડેધડ રીતે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યાં છે. કોર્ટ સંકુલમાં બીજી તરફ ગેટ નં 5 અને 6 તરફ પાર્કિંગ ની જગ્યા ખાલી હોવા છતાં અસીલો કોર્ટમાં ગેટ નં 1 થી 4 સુધીમાં આડેધડ રીતે પોતાના વાહનો પાર્ક કરતા હોય છે. જો કોઇ આકસ્મિક સ્થિત સર્જાય તો ગેટ નં.1 થી 4 અને એડવોકેટ હાઉસ તથા કેન્ટિન તરફ ઇમરજન્સી વાહનોને પણ પહોંચવામાં મુશ્કેલી, અવરોધ ઊભો થાય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. વકીલ મંડળના સભ્ય એક એડવોકેટ સહિત અગાઉ પણ આ મુદ્દે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના નાજરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી દિવાળીપુરા કોર્ટ પરિસરમાં યોગ્ય વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી નથી ના તો પાર્કિંગ માટે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે નવું એડવોકેટ હાઉસ થોડા સમય બાદ કાર્યરત થશે ત્યારે વાહન પાર્કિંગ ની સમસ્યા વધુ વિકટ બને તેવી શક્યતા છે.
*કોર્ટ સંકુલમાં આડેધડ વાહનો પાર્કિંગ બાબતે વકીલો અને અસીલોએ પોતે જ ધ્યાન રાખવું જોઈએ*
દિવાળીપુરા કોર્ટ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી પાર્કિગની હાલાકી છે. વકીલો અને અસીલો તમામે પોતાના વાહનો પાર્ક કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. વકીલો અને અસીલોએ પોતાની જવાબદારી સમજીને યોગ્ય રીતે નિયત વાહન પાર્કિંગ ની જગ્યાએ જ પોતાના વાહનો પાર્ક કરવા જોઈએ. ઘણીવાર રીક્ષાવાળા પોતાની કોર્ટમાં તારીખ હોવાથી આવતા હોય છે પરંતુ કોર્ટમાં કામગીરી પૂર્ણ થયા બાદ તેઓએ પોતાના વાહનો લઇ જવા જોઈએ પરંતુ કેટલાક રીક્ષાવાળા અને અન્ય લોકો કોર્ટ કામગીરી પૂરી થયા બાદ પણ બેસી રહે છે, આરામ ફરમાવતા હોય છે ત્યારે અમે પોલીસને સાથે રાખીને તેવા લોકો સામે આંખ લાલ કરીશું જેથી વકીલો અને અન્ય અસીલોને તકલીફ ન થાય જો કોઇ વાહનો કોર્ટના સમય પૂર્ણ થયા બાદ પણ કોર્ટ સંકુલમાં પાર્ક હશે અને તે બાબત ધ્યાનમાં આવશે તો ચોક્કસ પોલીસ ને સાથે રાખીને જરૂરી પગલાં લેવામાં આવશે.
*એડવોકેટ નલિન પટેલ -પ્રમુખ વડોદરા વકીલ મંડળ*