રોંગ સાઈડ રિવર્સ લેતા કારચાલકે શ્રમજીવી આધેડને અડફેટે લીધો
અકસ્માત બાદ લોકટોળા એકત્ર, ઇજાગ્રસ્તને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો
પ્રતિનિધિ, વડોદરા, તા. 30:
વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં ભારત ફ્લોર મિલ પાસે રફતાર અને બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક સફેદ રંગની કારના ચાલકે રોંગ સાઈડે રિવર્સ લેતા સાયકલ સવાર શ્રમજીવી આધેડને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર બાદ કાર ડિવાઈડર પર ચડી જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માતમાં સાયકલ સવાર આધેડને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કારચાલક સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં વધી રહેલા અકસ્માતોને લઈને લોકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.