720 દિવસની હાજરી બાદ એન્જીનિયરિંગ વિભાગના સામાન્ય વહીવટ વિભાગનો નિર્ણય
સફાઈમિત્રની ઉંમર 18 વર્ષથી ઓછી કે 60 વર્ષથી વધુ હોવાનું બહાર આવશે તો રોજીંદારીમાં રૂપાંતર આપોઆપ રદ ગણાશે
વડોદરા મહાનગરપાલિકાના એન્જીનિયરિંગ વોર્ડમાં ડ્રેનેજ સફાઈ કામગીરી માટે કામ કરતા માનવદિન આધારિત 133 સફાઈમિત્રોને રોજીંદારી કર્મચારી તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યા છે. 720 દિવસથી વધુ હાજરી ધરાવતા આ સફાઈમિત્રોને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને રોજીંદારીમાં લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, એન્જીનિયરિંગ વિભાગમાં ડ્રેનેજ સફાઈ માટે માનવદિન ધોરણે સફાઈમિત્રો કામ કરતા હતા. તબક્કાવાર તપાસ કરીને, જેમની હાજરી 720 દિવસથી વધુ નોંધાઈ છે એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ આધારે કુલ 133 માનવદિન (ડ્રેનેજ) સફાઈમિત્રોને રોજીંદારી કર્મચારી તરીકે પરિવર્તિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે દરેક ઇસમના હાજર દિવસો સંબંધિત વિભાગો પાસેથી મળેલી માહિતીના આધારે ચકાસણી કરીને અંતિમ યાદી તૈયાર કરી છે. જો બાદમાં ઓડિટેડ હાજરી પત્રકોમાં વિસંગતતા અથવા ક્ષતિ જણાશે, અથવા કોઈ સફાઈમિત્રની ઉંમર 18 વર્ષથી ઓછી કે 60 વર્ષથી વધુ હોવાનું બહાર આવશે તો તેમનો રોજીંદારીમાં રૂપાંતર આપોઆપ રદ ગણાશે.
તે ઉપરાંત, રૂપાંતરિત થયેલા કર્મચારીએ 30 દિવસની અંદર હાજર થવું ફરજિયાત રહેશે. જો તેઓ હાજર નહીં થાય તો આ હુકમ રદ ગણાશે. દિવાળી પ્રસંગે 133 સફાઈમિત્રોને રોજીંદારીમાં લેવામાં આવતા તેઓ અને તેમના પરિવારમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહી સફાઈમિત્રો માટે દિવાળીની ખાસ ભેટ સાબિત થઈ છે.