Vadodara

દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે વડોદરામાં ગ્રાહકોની ભીડ ઉમટી, પગાર-બોનસથી વેપારીઓમાં ‘ખુશીનો માહોલ’

છેલ્લા દિવસે દિવાળી બજાર ‘હાઉસફુલ’!

માંડવીથી ગોત્રી સુધી ચિક્કાર ભીડ, વેપારીઓને મોટો આર્થિક ફાયદો; ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ તેજી

વડોદરા :;શહેરની તમામ બજારોમાં આજે દિવાળીના મહાપર્વને અનુલક્ષીને છેલ્લી ઘડીની ખરીદીનો જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી તેમજ ખાનગી કર્મચારીઓને પગાર અને બોનસ મળ્યા બાદ, ગઈકાલે રવિવાર અને આજે દિવાળીની રજાના કારણે બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે, જેનાથી સ્થાનિક વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

આ વર્ષે ફટાકડાના ભાવમાં નજીવો વધારો થયો હોવા છતાં, ગ્રાહકોમાં ઉત્સાહ જળવાઈ રહ્યો છે. ખાસ કરીને બાળકો માટે બજારમાં નવા આકાર અને સ્ટાઇલિશ ફટાકડાની માંગ ખૂબ વધી છે. વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે કોલ્ડ્રિક્સ ટીન, ચોકલેટ બટરફલાય, બોલબેટ, ગિટાર અને AK-47 રાઇફલ જેવા અવનવા આકારના ફટાકડા બજારમાં મુક્યા છે, જે બાળકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યા છે.
હાલના સમયમાં ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ ખૂબ જ પ્રચલિત છે, ત્યારે વડોદરાના વેપારીઓએ એક અનોખી પહેલ કરી હતી. તેમણે પત્રિકાઓ દ્વારા અને સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી ગ્રાહકોને સ્થાનિક દુકાનોમાંથી જ ખરીદી કરવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી. વેપારીઓની આ અપીલ સફળ રહી છે. ગ્રાહકોએ ઓનલાઈન માર્કેટને બદલે સ્થાનિક બજારોને પ્રાથમિકતા આપી છે. સ્થાનિક બજારમાં વસ્તુઓ ઓનલાઈન ભાવમાં જ સરળતાથી ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને પણ સુવિધા મળી છે.

ફટાકડા અને કપડાં ઉપરાંત મોબાઈલ સહિતના ઈલેક્ટ્રોનિક માર્કેટમાં પણ આ વખતે ધૂમ ખરીદી જોવા મળી રહી છે. લોકો દિવાળીના શુભ તહેવારે નવી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોવાથી ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ પર પણ સારી ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ખરીદી વધવાથી શહેરના વેપારીઓને મોટો આર્થિક ફાયદો થયો છે, જે શહેરની અર્થવ્યવસ્થા માટે સારો સંકેત છે.
શહેરમાં માંડવી રોડ, ન્યાયમંદિર રોડ, વાડી રોડ, અલકાપુરી, ગોત્રી અને ગોરવા જેવા વિસ્તારો વર્ષોથી મુખ્ય ખરીદીના કેન્દ્રો રહ્યા છે. આ તમામ વિસ્તારોમાં હાલ ગ્રાહકોની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે. જોકે, ઉત્સવના માહોલમાં લોકો આ બધી અગવડોને અવગણીને ખરીદીની મજા માણી રહ્યા છે. વડોદરાવાસીઓનો આ ઉત્સાહ સૂચવે છે કે આ દિવાળી વેપારીઓ માટે ખૂબ જ લાભદાયી નીવડશે.

Most Popular

To Top