( પ્રતિનિધી )વડોદરા,તા.13
દિવાળીના તહેવારોને ખાસ ધ્યાનમાં લઈને એસટી વિભાગ દ્વારા તારીખ 17 થી 20 ઓક્ટોબર સુધી માદરે વતન જતા લોકો માટે અને તા.22 થી તારીખ 27 સુધી માદરે વતનથી પરત ફરવા માટે કુલ મળીને 650 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે વડોદરા એસટી વિભાગ દ્વારા દિવાળીના સમયમાં માદરે વતન જતા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ વડોદરા એસટી વિભાગ દ્વારા પૂરતી બસ વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 17 થી 20 ઓક્ટોબર સુધી દરરોજ 80 થી 100 બસ એટલે કે દિવાળી પહેલા કુલ 340 એક્સ્ટ્રા બસ મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પંચમહાલ, દાહોદ, અમદાવાદ અને કાઠીયાવાડ સૌરાષ્ટ્ર અને સુરત માટે બસો ફાળવવામાં આવી છે, તેવી જ રીતે દિવાળી પછી એટલે કે 22 મી તારીખે રિટર્ન ટ્રાફિકને પહોંચી વળવા માટે તા. 22 થી તારીખ 27 સુધી કુલ 270 જેટલી બસોનું આયોજન કર્યું છે. જેથી રજા પૂરી થયા બાદ માદરે વતન થી મુસાફરો પરત આવી શકે એના માટે આ આયોજન કર્યું છે. દિવાળી પહેલા અને દિવાળી પછી મળી કુલ 640 જેટલી બસોનું દોડાવવામાં આવશે. ગત વર્ષે દિવાળી પહેલા 350 થી 400 અને રિટર્ન માં 150 થી 200 જેટલી બસ આમ 450 થી 500 નું આયોજન કર્યું હતું. આ વર્ષે 20 થી 25% નો મુસાફરોનો વધારો હશે, એવી ગણતરી અને અનુમાન લગાવી આ વખતે આશરે 650 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.