ચોમાસામાં જળબંબાકાર, દિવાળીએ જળસંકટ: વાઘોડિયા રોડ પર પ્રભુનગરના લોકો રોષે ભરાયા, પાલિકાના સત્તાધીશો ‘આંખ આડા કાન’ કરીને પર્વની મોજમાં
વડોદરા: એક તરફ વડોદરા શહેર દિવાળીના પર્વની ઉજવણીના રંગોમાં રંગાયું છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર, વાઘોડિયા રોડ પર આવેલા પ્રભુનગરના રહીશો માટે આ તહેવારનો માહોલ તંત્રની બેદરકારીને કારણે સાવ ફિક્કો પડી ગયો છે. લાંબા સમયથી પાણી, ડ્રેનેજ અને ચોમાસામાં પાણી ભરાવવાની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા આ વિસ્તારના લોકોમાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રભુનગરની સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. બારે માસ પાણીની અછત રહે છે અને તહેવારોના સમયે પણ તેમાં કોઈ સુધારો આવતો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠાની સમસ્યા એટલી ગંભીર છે કે અનેકવાર મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. પરિણામે, દિવાળી જેવા પાવન પર્વના દિવસોમાં પણ પ્રભુનગરના લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે અને લાચાર થઈને પોતાના ખર્ચે રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડી છે.

પાણીની અછતની સાથે સાથે પ્રભુનગરના લોકો અન્ય પાયાની સુવિધાઓના અભાવથી પણ પીડાય છે. દર ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાવવાની મોટી સમસ્યા ઊભી થાય છે, જેના કારણે લોકોને કેડસમા પાણીમાંથી પસાર થવું પડે છે અને વેપારીઓને પણ મોટું નુકસાન વેઠવું પડે છે. આ ઉપરાંત, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા પણ બારેમાસ રહે છે, જેના કારણે ગંદકી અને રોગચાળાનો ભય સતત માથે તોળાય છે.
સમગ્ર શહેર ‘સ્માર્ટ સિટી’ના વિકાસના ગુણગાન ગાઈ રહ્યું છે, ત્યારે પ્રભુનગરના સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે શું પાલિકાના ‘સ્માર્ટ સત્તાધીશો’ને માત્ર પૂર્વ વિસ્તારના લોકોની સમસ્યાઓ દેખાતી નથી? તહેવારના સમયે જ્યારે સામાન્ય નાગરિકોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, ત્યારે અધિકારીઓ અને સત્તાધીશો જાણે આંખ આડા કાન કરીને માત્ર પર્વની ઉજવણીમાં જ વ્યસ્ત હોય તેવું ચિત્ર ઊભું થયું છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનો ઉકેલ નહીં લાવવામાં આવે, તો આવનારા દિવસોમાં પાલિકા વિરુદ્ધ મોટું આંદોલન છેડવામાં આવશે.