ભીડભાડવાળી જગ્યાઓ પર બંદોબસ્ત વધારી દેવાયો
રેલવે સ્ટેશન, બસ ડેપો, મોલ, મલ્ટીપ્લેક્સ સહિતના સ્થળ પર ચેકિગ શરૂ
પ્રતિનિધિ વડોદરા તા.10
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રેલવે સ્ટેશન, બસ ડેપો, મોલ સહિતની ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરાયું છે.

તાજેતરમા ગુજરાત એટીએસની ટીમ દ્વારા ભારતમાં આતંકવાદી હુમલો કરવાની કાવતરામાં સંડોવાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરવામા આવી હતી અને આરોપીઓના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા. ત્યારે દિલ્હીમાં કારમાં સાંજના સમયે બ્લાસ્ટ થવાના કારણે આઠ નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા. જેના પગલે સમગ્ર દિલ્હી હચમચી ઉઠ્યું છે. ત્યારે દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ સીએનજીના કારણે થયો છે કે પછી અન્ય કાવતરુ છે તેની તપાસ શરૂ કરાઇ છે.

ત્યારે દિલ્હીના બ્લાસ્ટની ઘટના પગલે વડોદરા પોલીસ વિભાગ એલર્ટ મોડા આવી ગયો છે અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળા જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ પણ સઘન કરી દેવામાં આવ્યું છે. શહેરના વડોદરા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને મોલ મલ્ટીપ્લેક્સ અને બજારો સહિતના સ્થળ કે જ્યા ભીડભાડ થતી હોય તેવા સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવા સાથે બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.
