Singvad

દાહોદ સાંસદના વતનથી 15 કિલોમીટર દૂર સીંગવડની આંગણવાડીઓની દયનીય સ્થિતિ

તારમી ગામની બે આંગણવાડીઓના મકાન જર્જરિત હાલતમા

ચાર વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે આંગણવાડીઓ, બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ


દાહોદ: સીંગવડ તાલુકાના તારમી ગામની આંગણવાડીઓની સ્થિતિ ચિંતાજનક બની છે. લાંબા સમયથી આંગણવાડી નંબર-2 અને નંબર-4ના મકાનો જર્જરિત હાલતમાં છે. જેના કારણે બંને આંગણવાડીઓ છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનોમાં ચાલી રહી છે.


આજે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમસુભાઈ હઠીલા અને તેમની ટીમે આંગણવાડીઓની મુલાકાત લીધી હતી. આંગણવાડી નંબર-4માં સુમિત્રાબેન બામણીયા અને નંબર-2માં ગજીબેન ખાટ કાર્યકર તરીકે ફરજ બજાવે છે. જર્જરિત મકાનોને કારણે બાળકોને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળતું નથી.


સ્થાનિક લોકોએ સરપંચથી માંડીને તાલુકા વિકાસ અધિકારી સુધી અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. સિંગવડ સી.ડી.પી.ઓ. પિન્કીબેને જણાવ્યું કે, તારમી ગામની બે આંગણવાડીઓ લાંબા સમયથી ભાડાના મકાનમા ચાલે છે, બંન્ને મકાનો બનાવવા માટે દરખાસ્તો કરવામાં આવી છે, જે પૈકી આંગણવાડી નંબર-2ના નવા મકાન માટે મંજૂરી મળી છે. જોકે, કામ હજુ શરૂ થયું નથી. જ્યારે આંગણવાડી નંબર-4ની મંજૂરી હજુ પેન્ડિંગ છે.




સીંગવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમસુભાઈ હઠીલાએ તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે તમામ જર્જરિત આંગણવાડીઓનું તાત્કાલિક નવીનીકરણ કરવાની માગણી કરી છે. આ સ્થિતિ બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે જોખમી છે.
તારમી ગામની બંને આંગણવાડીઓમાં 30થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આંગણવાડીના આ ગરીબ બાળકોને સરકારી તંત્રના પાપે સુવિધાઓના અભાવ વચ્ચે આંગણવાડીઓ પર જવુ પડે છે, જેના કારણે બાળકોના વિકાસ પર અસર પડી રહી છે, ત્યારે તંત્ર ત્વરિત આ જર્જરિત આંગણવાડીઓના નવિન મકાનો બનાવે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top