Dahod

દાહોદ: મનરેગામાં ભ્રષ્ટાચાર તેમજ શ્રમિકોને કામ ન મળતું હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના ધરણાં

દાહોદ :

દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર તેમજ મનરેગા યોજનામાં શ્રમીકોને કામ ન મળતું હોવાના આક્ષેપો સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણાં પ્રદર્શન કર્યુ હતું. ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં વિવિધ બેનરો સાથે ભારે વિરોધ નોંધાવાયો હતો.



દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થોડા દિવસો પહેલાં દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લામાં કાર્યરત મનરેગા યોજનામાં કરોડો રૂપીયાના ભ્રષ્ટાચાર આક્ષેપો સાથે મનરેગા યોજનામાં શ્રમીકોને કામ ન મળતું હોવાના આક્ષેપો સાથે આ મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને શ્રમિકોને મજુરી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. વધુમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના જણાવ્યાં અનુસાર, જાે પોતાની રજુઆતને ધ્યાનમાં લેવામાં લેવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે લાંબા સમય સુધી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદપત્રનો કોઈ યોગ્ય નિરાકરણ ન આવતાં આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસો પહેલાં દાહોદ જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી તથા દાહોદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે કોઈ પણ વ્યક્તિઓએ ઉપવાસ/ધરણાં ઉપર બેસવું નહી તેમજ આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેવું જાહેરનામું દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસંધાને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ૨૦૦ મીટર દુર ધરણા પ્રદર્શન યોજ્યું હતું. અને દાહોદ જિલ્લા વહીવટી તંત્રના આ જાહેરનામાનો પણ ભારે વિરોધ કર્યાે હતો. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદ નિનામાના જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર મંત્રી અને તેમના મળતીયાઓ દ્વારા આચરવામાં આવી રહ્યો છે. મનરેગા યોજનામાં શ્રમીકોને મજુરી ન મળવાને કારણે શ્રમીકો અન્ય જિલ્લાઓમાં અને અન્ય રાજ્યોમાં મજુરી કામ કરવા મજબુર બની રહ્યાં છે. દાહોદ જિલ્લામાં સ્માર્ટ સીટીના નામે પણ કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. સાથે સાથે દાહોદમાં સ્માર્ટ મીટરનો પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ નોંધાંવ્યો હતો. ગરબાડાના પુર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા પણ આ ધરણા પ્રદર્શનમાં ભાજપની સરકાર પણ આકરા પ્રહારો કર્યા હતાં. સાથે સાથે ભાજપની સરકારમાં ભ્રષ્ટ્રાચારે ચારે કોર માછા મુકી હોવાના આક્ષેપો સાથે મનરેગા યોજનામાં પણ કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ચંદ્રિકાબેન બારીયા દ્વારા કરવામાં આવ્યા હતા.

————————————————

Most Popular

To Top