ત્રણ દિવસીય પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, હવે ટિકિટ જાહેર થવાની અટકળો તેજ
નેતાઓ અને કાર્યકર્તાઓ બાયોડેટા સાથે પહોંચ્યા, શિસ્તબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ
ટિકિટ જાહેર થવાની રાહમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ
દાહોદ, તા. 3 ()
દાહોદ જિલ્લામાં નગરપાલિકાની 38 બેઠકો માટે ભાજપ દ્વારા હાથ ધરાયેલી ત્રણ દિવસીય સેન્સ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં સંગઠને હાશકારો અનુભવ્યો છે. આ પ્રક્રિયામાં 200થી વધુ દાવેદારોએ ઇન્ટરવ્યૂ આપી પોતાની ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. હવે આગામી સમયમાં પાર્ટી દ્વારા ટિકિટોની જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના જિલ્લાસ્તરના નેતાઓ, કાર્યકર્તાઓ અને દાવેદારોએ પોતાના બાયોડેટા તેમજ સમર્થકો સાથે હાજરી આપી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ વાતાવરણ જોવા મળ્યું હતું. પક્ષ દ્વારા ઉમેદવારી માટે યોગ્યતા, કાર્યશૈલી, લોકપ્રિયતા અને પક્ષપ્રતિ પ્રતિબદ્ધતા જેવા માપદંડોને ધ્યાનમાં રાખીને નામો એકત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
નગરપાલિકા બેઠકો ઉપરાંત જિલ્લા પંચાયત માટે પણ દાવેદારીઓ નોંધાતાં રાજકીય ગતિવિધિઓમાં તેજી આવી છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના અગ્રણીઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હવે વિવિધ સામાજિક અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેવી શક્યતા છે. દાહોદ જિલ્લામાં પક્ષની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે આ સેન્સ પ્રક્રિયાને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ