Dahod

દાહોદ : નળમાંથી જળ નહીં, કામ થયેલા સ્થળે ખાડાઓની ભેટ

મોટીબાંડીબાર ગામે ‘નળ સે જળ’ યોજનામાં હલકું કામ, વાહનચાલકો માટે જોખમ
દાહોદ, તા.27 |
દાહોદ જિલ્લાના પાણિયા–બાંડીબાર રોડ પર આવેલા મોટીબાંડીબાર ગામમાંથી પસાર થતી ‘નળ સે જળ’ યોજનામાં પાણીની સુવિધા કરતાં વધુ ખાડાઓ નજરે પડી રહ્યા છે. યોજનામાં ક્યાંક અંશે પાણી આવતું હોવા છતાં કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડોના ખર્ચ છતાં હલકું કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

મોટીબાંડીબાર ગામે દશામા મંદિર સામે રોડની બંને બાજુ ખાડા પડ્યા છે. એક તરફ કોંક્રિટ નાખીને પૂરાણ કરવામાં આવ્યું છે તો સામે ઊંડો ખાડો યથાવત રાખવામાં આવ્યો છે. આ સ્થળે વારંવાર ખાડા પડતા હોવા છતાં કોઈ એજન્સી કે વહીવટી તંત્ર કાયમી ઉકેલ લાવવા તૈયાર નથી—એવો સ્થાનિકોનો આક્ષેપ છે. એક જગ્યાએ નહીં પરંતુ સમગ્ર માર્ગ પર સમાન પ્રકારનું હલકું કામ થયાનું પણ સ્થાનિકો કહે છે.


સ્થાનિકોની જાગૃતતા કારણે ખાડામાં સૂકું ઘાસ મૂકીને વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી છે. જોકે રાત્રિના સમયે ઘાસ દેખાતું ન હોવાથી અકસ્માત થવાની સંભાવના વધે છે. વાહનચાલકો અને ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે જવાબદાર અધિકારીઓ જવાબદારી સ્વીકારે, ખાડાઓનો કાયમી નિકાલ કરે અને તૂટતા રોડને સુરક્ષિત બનાવે—નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top