ચાર બાળકો સહિત પાંચનું સલામત રેસ્ક્યુ, કેનાલમાં પાણી ઓછું હોવાથી સદભાગ્યે જાનહાનિ નહીં
દાહોદ, તા.18 |
દાહોદ નજીકના જાલત ગામ પાસે પાટાડુંગરી કેનાલમાં એક બેકાબૂ મારુતિ આર્ટિગા કાર ખાબકી જવાની ઘટના સામે આવી છે. કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

અકસ્માત સમયે કારમાં ચાર બાળકો સહિત કુલ પાંચ લોકો સવાર હતા. ઘટના બનતાની સાથે સ્થાનિક લોકો અને તંત્રની મદદથી તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે કેનાલમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, જેને લઈ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં ક્રેનની મદદથી આર્ટિગા કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતના કારણે થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં ઉત્સુક લોકોની ભીડ જામી હતી.
આ ઘટનાએ એક વખત ફરીથી વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ