Dahod

દાહોદ નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથોમાં ‘મેન્ડેટ’ માટે ભારે રસાકસીના એંધાણ

ઉમેદવારી જાહેર થાય તે પહેલાં જ પક્ષમાં અંદરખાને ખેંચતાણ તેજ, વિરોધ પક્ષો પણ મેદાનમાં સક્રિય

આપ અને કોંગ્રેસની સક્રિયતા વધતા ચૂંટણીમાં ત્રિકોણીય ટક્કરની સંભાવના


દાહોદ, તા. 2 (
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ દાહોદ નગરપાલિકાની નવ વોર્ડ માટે ભાજપમાં ઉમેદવારીના મેન્ડેટ મેળવવા આંતરિક જૂથો વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મેન્ડેટ જાહેર થાય તે પહેલાં જ પક્ષમાં અંદરખાને અસંતોષ ફાટી નીકળવાના એંધાણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.
દાહોદ નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ભાજપ સત્તામાં છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બોર્ડની કામગીરીને લઈને આંતરિક મતભેદ અને જૂથવાદ વધુ સ્પષ્ટ બન્યો હતો. સ્થાનિક સ્તરે વિકાસકાર્યો કરતાં વધુ સમય આંતરિક ખેંચતાણમાં જ પસાર થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક દાવેદારોએ પોતાના નામ રજૂ કર્યા હતા. કેટલાક દાવેદારોએ અગાઉના સત્તાધીશો સામે વહીવટી ખામીઓ અંગે નિરીક્ષકો સમક્ષ રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. પક્ષના જુદા જુદા જૂથો દ્વારા મેન્ડેટ મેળવવા માટે જોરદાર લોબીંગ શરૂ થઈ ગયું છે.
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જો કેટલાક વર્તમાન સભ્યોને ફરીથી મેન્ડેટ આપવામાં આવશે તો તેમની જીત માટે કપરા પડકારો ઊભા થઈ શકે છે. સ્થાનિક સંસ્થાઓમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપના આંતરિક જૂથો વચ્ચે વધુ ખેંચતાણ સર્જાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે વિરોધ પક્ષો પણ સક્રિય બન્યા છે. આમ આદમી પાર્ટીએ શહેરમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો પ્રયાસ તેજ કર્યો છે, જ્યારે કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયારીઓ કરી રહી છે.
એક તરફ ભાજપમાં આંતરિક જૂથવાદ અને બીજી તરફ વિરોધ પક્ષોની સક્રિયતા વચ્ચે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ભારે રાજકીય ટક્કર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે ગત બોડીના કામકાજથી અસંતુષ્ટ રહેલી દાહોદ નગરની જનતા આ વખતે શું નિર્ણય આપે છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top