પાલિકાના માજી પ્રમુખ ગેરહાજર રહ્યા
દાહોદ
દાહોદ નગરપાલિકાની આજે તા.૧૦ ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં કુલ ૩૯ કામો રજુ કરાયા હતા તેમાં આ સામાન્ય સભામાં નગરપાલિકાની ૧૬ સમીતીઓના ચેરમેન નિર્વીરોધ ચુંટાયા હતા. જાેકે ભાજપ દ્વારા ત્રણ લાઈનનો વ્હીપ પક્ષ દ્વારા આપવામાં આવ્યો હતો. આ વ્હીપ ઘણુ બધુ કહી જાય છે. જાેકે પ્રમુખ દ્વારા એક બાદ એક ચેરમેનોના નામની જાહેરાત કરાતા સભ્યોએ સહર્ષ સ્વીકારી હતી. સભામાં પાંચ કર્મચારીઓની નિવૃત્તિ થતાં તે અંગેના ઠરાવ પણ રજુ કરાયા હતા. સામાન્ય સભામાં માજી પ્રમુખ હાજર રહ્યા ન હતા. નગરપાલિકાની સામાન્ય સભા નીર્વીરોધ સંપન્ન થઈ હતી.
દાહોદ નગરપાલિકાના સભા ખંડમાં બપોરના ૧૨.૩૦ કલાકે પાલિકાની સામાન્ય સભા નીરજ દેસાઈના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. તે એજન્ડાના કુલ ૩૯ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા. એજન્ડામાં વિવિધ ૧૬ જેટલી કમીટીઓના ચેરમેનોની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પૂર્વે ભાજપ દ્વારા સૌ પાલિકા સભ્યોને વ્હીપ શહેર પાર્ટી પ્રમુખ અર્પિલ શાહ દ્વારા આપવામાં આવ્યો હતો અને સૌને ત્રણ લાઈનનો વ્હીપ મળ્યો કે નહી તેની ખરાઈ કરી હતી. ત્યારબાદ નિર્વિરોધ ચેરમેનોની એક બાદ એક જાહેરાત કરાતા સભ્યોએ વધાવી લીધા હતા અને અભીનંદનનો દોર શરૂ થયો હતો. સામાન્ય સભામાં પાંચ પાલિકા કર્મચારીઓ નીવૃત્તિ થતા તે અંગેના કામ પણ રજુ કરાયા હતા એકંદરે પાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જાેકે દાહોદ પાલિકાના માજી પ્રમુખ ગેરહાજર રહ્યા હતા તે ઘણું બધુ કહી જાય છે. આ સાથે દાહોદ પાલિકાના નવનિર્મિત ચેરમેનો વરણી પણ કરવામાં આવી હતી.
આ સમિતિમાં ચેરમેન વરાયા
બાંધકામ સમિતિમાં સુજાનભાઈ કિશોરી
પાણી પુરવઠામાં તુલસીભાઈ જેઠવાણી,
આરોગ્યમાં નુપેન્દ્રભાઈ દોશી,
સ્ટ્રીટ લાઈટમાં ફાતેમા કપુર,
કાયદા (લીગલ)માં જેનાબબેન લીમડીવાલા,
નગર રચનામાં બીજલભાઈ ભરવાડ,
એસ્ટાબ્લીશમેન્ટમાં સંતોષબેન ખંડેલવાલ
ફાયરમાં કાઈદભાઈ ચુનાવાલા
બાગ બગીચામાં પ્રેમીલાબેન ક્ષત્રીય
શોપમાં લક્ષ્મીબેન ભાટ
લાઈબ્રેરીમાં કિંજલબેન પરમાર
સમાજ કલ્યાણમાં જાેગેશભાઈ સંગાડીયા
રમત ગમતમાં રાકેશભાઈ નાગોરી
મેન્ટેનન્સમાં લલીતભાઈ પ્રજાપતિ
પાર્કિંગમાં હંસાબેન વોહનીયા
સ્ટોલ એન્ડ વહીવટીમાં વાસીફભાઈ પઠાણ
ચેરમેન માટે કામ કરવાનો સમય માત્ર ગણતરીના મહિનાનો
દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં નવનિર્મિત ચેરમેનોની વરણી તો કરવામાં આવી છે પરંતુ આ વિવિધ સમિતિઓમાં ચેરમેનોની વરણીમાં વિલંબ થતાં હવે માત્ર આઠ, દશ મહિના જેટલો જ સમયગાળો બચ્યો છે ત્યારે શું આ વિવિધ સમિતીઓની ચેરમેનોની વરણ માટે નામ પુરતી જ કરવામાં આવી છે કે શું ? કે પછી છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર સર્જાયેલા વિરોધને કારણે નવનિર્મિત ચેરમેનોને લોલીપોલ આપવામાં આવ્યો છે ? જેવી અનેક ચર્ચાઓ દાહોદ નગરજનોમાં વહેતી થવા પામી છે ત્યારે બીજી તરફ શું માત્ર, આઠ, ૧૦ મહિનાઓના ટુંકા સમયગાળામાં દાહોદનો વિકાસ થશે કે કેમ ? તે પણ એક પ્રશ્ન છે. કારણ કે, આટલા ટુંકાગાળામાં જાણે નવનિર્મિત ચેરમેનોની વરણી કરી દેવાતાં જાણે નવ નિર્મિત ચેરમેનોને રિઝવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાની ભારેખમ ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે.
——————————————-