સેન્સ પ્રક્રિયાથી ઘીના ઠામમાં ઘી પડતા એક વ્યક્તિના પુનઃપ્રમુખ બનવાના સપના રોળાયા.
દાહોદ કમલમમાં જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા દાહોદ પાલિકામાં બળવાના એંધાણો શમી ગયા
દાહોદ: ખુરશીની લાલચમાં પક્ષના પ્રોટોકોલનો ભંગ કરી નગરપાલિકામાં આંધીની જેમ ફુકાયેલા બળવાખોરીના પવનને વધુ વેગ ન મળતા અને કાયદાની પ્રતીતિ કરાવાતા જ તેના પર બ્રેક લાગી ગઈ છે. હાલ પૂરતો તો દાહોદ નગરપાલિકામાં બળવાખોરીનો ફૂંકાયેલો પવન એની મેળેજ શાંત થઈ ગયો છે. બળવાખોરીનું ભૂત ઉતરી જતા અને બાકીના સભ્યોએ પ્રમુખમાં વિશ્વાસ વ્યક્ત કરતા સેન્સ પ્રક્રિયા દરમિયાન નિવેદન આપતા નગરપાલિકામાં હવે નગરજનોના કામો થશે તેવી નજર જનોને મોડે મોઢે પણ આશા બંધાઈ છે. જ્યારે એક વ્યક્તિની પુન: પ્રમુખ બનવાની આશાઓ પર પાણી ફરી વળ્યાનુ અને પ્રવાસનો ખર્ચ પણ માથે પડ્યાનું શહેરમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પાલિકા પ્રમુખ હવે પ્રજાના કામ કરવામાં કેટલા ખરા ઉતરે છે તેના ઉપર સૌ નગરજનોની નજર છે.
દાહોદ નગરપાલિકાના રાજસ્થાનના પ્રવાસે ગયેલા કેટલાક કાઉન્સિલરોનો નૃત્ય કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પક્ષની છબી ખરડાતા ભાજપ લોબી સ્તબ્ધ બની ગઈ હતી. અને આ વિડીયો વાયરલ થયાની વાત તો ગાંધીનગર પ્રદેશ કક્ષા સુધી પહોંચી જતા પાર્ટીમાં હડકંપ મચી ગયો હતો. પાર્ટીના પ્રદેશ કક્ષાના આદેશથી જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર દ્વારા દાહોદ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને દાહોદ પાલિકાના તમામ સભ્યોને પોતાની વાત મુકવા માટેના નિવેદનો આપવા બોલાવવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાય સમયથી લોકોમાં થતી ચર્ચાઓ મુજબ દાહોદ નગરપાલિકામાં નીરજ ઉર્ફે ગોપી દેસાઈ જ્યારથી દાહોદ નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારથી પાલિકામાં ફરીવાર પ્રમુખ બનવાનું ભૂત એક પૂર્વ પ્રમુખમાં સવાર થયું હતું. તેમણે પોતાનો ચોકો અલગ બનાવી પોતાની તરફે કેટલાક કાઉન્સિલરોને યેન કેન પ્રકારે કરી લીધા હતા. તે તમામે તમામ નગરપાલિકામાં ગેરહાજર રહી ઘરે બેસી કામ કરવા માંગી આડકતરી રીતે વર્તમાન પ્રમુખ સામે જંગે ચડ્યા હતા. જેનું માઠુ પરિણામ દાહોદ વાસીઓ આજે પણ ભોગવી રહ્યા છે. દાહોદ નગરપાલિકામાં લોકોના કોઈ કામો થતા નથી અને કામો માટે લોકોને નાહકના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાહોદની જનતા પણ વિરોધીઓની આ ગતિવિધિથી સંપૂર્ણપણે વાકેફ છે.
દાહોદ નગરપાલિકાના રાજસ્થાનના પ્રવાસે ન ગયેલા કાઉન્સિલરો તેમજ પ્રવાસી ગયેલા કાઉન્સિલરોને સેન્સ માટે જુદા જુદા સમયે દાહોદ કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારે બોલાવ્યા હતા. જેમાં જેઓ પ્રવાસે ગયા ન હતા તે પૈકીના કેટલાક કાઉન્સિલરોએ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે અમારા વિસ્તારના કામો કરીએ છીએ. પાલિકા પ્રમુખ ગોપીભાઈ અમારું સાંભળે છે. અમારો આવો કોઈ વિષય છે જ નહીં કે કામ નથી થતા. નગરપાલિકામાં જે લોકો નથી આવતા અને ખાલી ઘરે બેઠા કામ કરાવવા માંગે છે એમને જ તકલીફ છે. અને બીજો વિષય તે લોકોએ પોતાની રીતે મૂક્યો કે પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે આ લોકોએ પાર્ટીના જે ધારા ધોરણ છે તેને અનુસરીને આ કમ્પ્લેઇન કરવી જોઈએ તેની જગ્યાએ 24 જણાને આ લોકો મેનેજ કરીને લઈ ગયા છે. ત્યાં મોંઘી હોટલોમાં રોકાયા છે. આ બધો જેને ખર્ચો કર્યો છે. અને અહીં પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બનાવ્યું છે. તો તેની તપાસ કરીને જવાબદાર વ્યક્તિને સસ્પેન્ડ કરવો જોઈએ તેવી અમારી માંગણી છે. નહીં તો આજે આને કર્યું છે, કાલે જેની પાસે પૈસા હશે અને જેને પ્રમુખ બનવું હશે તે પણ કરશે. અને બીજું જે નાચતો વિડીયો આવ્યો છે. જેને કારણે ગામમાં પાર્ટીની છબી ખરડાઈ છે. જેથી અમારા જેવાઓ કંઈ પણ નથી કર્યું તો પણ ટીકા ટિપ્પણીના ભોગ બની રહ્યા છીએ. આ બધું બંધ થવું જોઈએ તેવું તેઓના નિવેદનમાં જણાવ્યું હતું. જ્યારે વાયરલ થયેલા વીડિયોના જવાબમાં પૂર્વ પ્રમુખે એવું કહ્યું હતું કે અમે ખાલી ફરવા ગયા હતા. અને અમે ભાજપના સંનિષ્ઠ કાર્યકર છીએ. અમારે કોઈ વિરોધ જેવું કશું નથી. જ્યારે બીજે દિવસે જિલ્લા પ્રમુખ દ્વારા જે સેન્સ લેવામાં આવ્યો અને આખી પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ તો છે જ એ સ્પષ્ટ પણે જોવાઈ રહ્યું છે.
કેટલાક સભ્યોએ વૈભવી હોટલમાં રહી રાજસ્થાન પ્રવાસ માણી લીધો
દાહોદથી ચોક્કસ અમુક સભ્યોને મેનેજ કરીને રાજસ્થાન ખાતે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. તે પૈકીના ગણતરીના કેટલાક સભ્યો તો એવા છે કે જેની આવો લક્ઝરીયસ પ્રવાસ કરવાની, લક્ઝરીયસ હોટલમાં ઉતરવાની તેમજ લક્ઝરીયસ મોજ શોખ માણવાની ત્રેવડ જ નથી તેવાઓની આ લક્ઝરીયસ પ્રવાસમાં લક્ઝરીયસ હોટલમાં અને લક્ઝરીયસ મોજ મજા માનવામાં જોવાતી હાજરી આ મામલે ઘણું બધું કહી જાય છે.