દાહોદ:
દાહોદ તાલુકાની કઠલા માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિર શાળામાં બોર્ડની પરીક્ષામાં ગેરરિતી તેમજ ઠગાઈનો મામલો સામે આવ્યો છે જેમાં એક મુળ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીએ પોતાના સ્થાને અન્ય એક ડમી પરીક્ષાર્થી ઉપયોગ કરી પરીક્ષા ખંડમાં બેસાડતાં આ પરીક્ષા ખંડના સુપરવાઈઝર સમક્ષ જાહેર થતાં મુળ પરીક્ષાર્થી તેમજ ડમી પરીક્ષાર્થી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં જિલ્લા શિક્ષણ આલમમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.
ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગુજરાતમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર આ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે દાહોદના કઠલાના એક પરીક્ષા કેન્દ્રમાં ચાલુ બોર્ડની પરીક્ષા દરમ્યાન ગેરરિતી તેમજ ઠગાઈનો મામલો સામે આવતાં દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે જેમાં ગત તા.૨૭મી માર્ચના રોજ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા દાહોદના કઠલા ગામે આવેલ માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી તે સમયે આ શાળામાં મુળ પરીક્ષાર્થી કિર્તનભાઈ દલસીંગભાઈ કટારા (રહે. ગુંદીખેડા, કટારા ફળિયું,તા.જિ.દાહોદ)એ પોતાની ધોરણ ૧૦ની પરીક્ષા આપવાને બદલે ડમી પરીક્ષાર્થી તરીકે રોહિતભાઈ બચુભાઈ ડામોર (રહે.ઉચવાણીયા, ડામોર ફળિયું, તા.જિ.દાહોદ)નો ઉપયોગ કરી આ બંન્ને યુવકોએ એકબીજાના મેળાપીપણામાં મુળ પરીક્ષાર્થી કિર્તનભાઈએ પોતાના અસલ રસીદમાં ડમી પરીક્ષાર્થી રોહિતભાઈનો ફોટો લગાવી ડમી પરીક્ષાર્થી રોહિતભાઈ મુળ પરીક્ષાર્થી કિર્તનભાઈની જગ્યાએ પોતે પરીક્ષા વર્ગખંડમાં પરીક્ષા આપવા બેઠો હતો ત્યારે પરીક્ષા ખંડમાં સુપરવાઈઝર રાકેશભાઈ રમણભાઈ ભોકણે પરીક્ષાની અસલ રસીદ તપાસમાં દરમ્યાન આ મામલો સામે આવતાં પરીક્ષા કેન્દ્રના સૌ કોઈ શિક્ષકો તેમજ અન્ય પરીક્ષાર્થીઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ સંબંધે રાકેશભાઈ રમણભાઈ ભોકણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————