ચાર ગંભીર ઈજાગ્રસ્ત યુવકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં
દાહોદ:
દાહોદ તાલુકાના ગમલા ગામેથી પસાર થતાં હાઈવે રોડ પર થ્રેસરના ટ્રેક્ટરની પાછળ પુરઝડપે આવી રહેલી એક ફોર વ્હીલર ગાડી થ્રેસરના ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાતાં ફોર વ્હીલર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ફોર વ્હીલર ગાડીમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર ગંભીર ઈજાગ્રસ્ત યુવકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદના ગમલા ગામેથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર નેશનલ હાઈવે પર ગતરોજ બપોરના સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતાં ટ્રેક્ટરના થ્રેસરના પાછળના ભાગે જાેશભેર ટક્કર મારતાં સર્જાયેલા આ ગમખ્વાર માર્ગ અકસ્માતને પગલે ફોર વ્હીલર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફોર વ્હીલર ગાડીમાં સવાર ૧૮ વર્ષિય હર્ષ અક્ષય પલાસ (રહે. મોટા હાથીધરા, તા.લીમખેડા, જિ.દાહોદ)નું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાની સાથે લઈ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત દ્વીજ ત્રિવેદી, આર્યન દંતાણી અને અન્ય બે વ્યક્તિઓ મળી ચાર ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે ગમલાના હાઈવે રોડ પર બનેલ આ ગમખ્વાર માર્ગ અકસ્માતને પગલે હાઈવે રોડનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો પરંતુ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં વાહન વ્યવહાર પુન: શરૂ કરી દેવામાં આવ્યો હતો.
આ સંબંધે નન્નુભાઈ રસુલભાઈ સંગાડીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————————-
