દાહોદ ‘
દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ત્રણ જેટલા અજાણ્યા ઈસમો એક યુવકને આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી ગુગલ પે મારફતે રૂા.૬,૮૮,૦૦૦ ટ્રાન્સફર કરાવી આર્મીમાં નોકરી નહીં અપાવી યુવક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે.
દાહોદના મુવાલીયા ગામે ચોરા ફળિયામાં રહેતાં ૩૩ વર્ષિય સાયમલભાઈ ખીમજીભાઈ ભુરીયાને અલગ અલગ મોબાઈલ નંબર ધારકો અને જીગર ઠાકોર નામક ઈસમ મળી ૩ ઈસમોએ સાયમલભાઈનો સંપર્ક સાંધ્યો હતો અને સાયમલભાઈને આર્મીમાં કોઈપણ પરીક્ષા આપ્યા વગર નોકરી અપાવવાની લાલચ આપી સાયમલભાઈ પાસેથી ગુગલ પે મારફતે તારીખ૧૦.૦૬.૨૦૨૩ થી તારીખ ૨૫.૦૧.૨૦૨૪ના અલગ અલગ સમયગાળા દરમ્યાન કુલ રૂા.૬,૮૮,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. છેલ્લા ત્રણ વર્ષથી આ મામલે સાયમલભાઈએ આ મોબાઈલ નંબર ધારકો સાથે વાતચીત કરતાં અને આર્મીમાં નોકરી અપાવવા માટે વાતચીત કરતાં હતાં પરંતુ સાયમલભાઈને આર્મીમાં નોકરી અપાવવાની ખોટી લાલચો આપી ૩ ઈસમો દ્વારા ગલ્લા તલ્લા કરતાં હતાં અને આખરે સાયમલભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ સંબંધે સાયમલભાઈ ખીમજીભાઈ ભુરીયાએ સાયબર ક્રાઈમ પોલીસ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————————–