સુરતથી થાંદલા જતી બસનો અકસ્માત, વહેલી સવારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના
દાહોદ, તા.18 |
દાહોદ તાલુકાના ધામરડા નજીક વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં અફરાતફરી સર્જાઈ હતી. સુરતથી મધ્યપ્રદેશના થાંદલા તરફ જઈ રહેલી આ લક્ઝરી બસનો ચાલક અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પરોઢિયે બનેલી આ ઘટનામાં બસ અચાનક પલટી મારતા બસમાં સવાર મુસાફરોની ચીસાચીસથી આસપાસનું વાતાવરણ ગુંજતું થઈ ગયું હતું. અકસ્માત સમયે બસમાં મુસાફરી કરી રહેલા 10થી 12 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ સેવા દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ મુસાફરોને ઓછીવત્તી ઇજાઓ થઈ છે અને સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી, જેને પોલીસ દ્વારા વ્યવસ્થિત કરવામાં આવી. ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ