Dahod

દાહોદ જિલ્લામાં વીજ મીટર ચેડાં કરીને રૂ. 14.76 કરોડનું કૌભાંડ

વીજ કંપની સાથે સંકળાયેલા ઇસમો અને ઇન્ટેલિસ્માર્ટ એજન્સીના અધિકારી-કર્મચારીઓ સામે ફરિયાદ

દાહોદ | તા. 21
દાહોદ જિલ્લામાં **મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)**માં કરોડો રૂપિયાનું વીજ ચોરી કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે MGVCLના વિજીલન્સ વિભાગમાં વિશેષ મુખ્ય ઇજનેર તરીકે ફરજ બજાવતા વેચતાભાઈ નાથાભાઈ રાઠવા દ્વારા સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લા તેમજ દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીમડી, લીમખેડા અને દેવગઢ બારીયા વિસ્તારોમાં વીજ મીટરોમાં ચેડાં કરી વપરાશ ઓછો દર્શાવાતો હોવાની બાતમીના આધારે તા. 18/08/2025 થી 18/11/2025 દરમિયાન વિશાળ સ્તરે રેડ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન કુલ 33,799 વીજ મીટરોની તપાસ કરાઈ હતી, જેમાંથી 1,909 મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું.
888 મીટરમાં રેઝિસ્ટર લગાવી વીજ ચોરી
શંકાસ્પદ મીટરોને સીલબંધ કરી MGVCL દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં તકનીકી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટ મુજબ 888 મીટરોમાં રેઝિસ્ટર જેવી અવરોધક વસ્તુ લગાવી વીજ ચોરી કરાતી હોવાનું સાબિત થયું છે. ઇઝી દ્વારા નક્કી કરાયેલા ALHAF ફોર્મ્યુલા મુજબ ગણતરી કરતાં અંદાજે રૂ. 10.71 કરોડની વીજ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે.
સ્માર્ટ મીટર બદલવામાં પણ ગેરરીતિ
સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયામાં પણ ગંભીર અનિયમિતતા સામે આવી છે. ઇન્ટેલિસ્માર્ટ એજન્સી દ્વારા બદલાયેલા 81 મીટરોમાંથી 50 મીટરોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 38 મીટરોમાં રેઝિસ્ટર લગાવી વીજ ચોરી થતી હોવાનું જાણવા મળ્યું છે. આથી અંદાજે રૂ. 4.048 કરોડનું નુકસાન નોંધાયું છે.
કુલ રૂ. 14.76 કરોડનું આર્થિક નુકસાન
આ રીતે સમગ્ર કૌભાંડમાં કુલ રૂ. 14.76 કરોડનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વીજ મીટરના સીલ તોડવા અને તેમાં ચેડાં કરવું ગુનાહિત કૃત્ય હોવા છતાં વીજ કંપની સાથે સંકળાયેલા કેટલાક ઇસમો તથા એજન્સીના અધિકારી-કર્મચારીઓએ ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
BNS કલમ હેઠળ તપાસની માંગ
આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 318(4) તથા 61(2)(a) હેઠળ કાયદેસર તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. હવે આ ગંભીર વીજ કૌભાંડમાં તપાસ એજન્સીઓ દ્વારા કેવી કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું છે.

રિપોર્ટર : વિનોદ પંચાલ

Most Popular

To Top