Dahod

દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા



દાહોદ, તા.19
ગુજરાતભરમાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમનો મોટો ખુલાસો થયો છે. જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ મ્યુલ હંટ સાયબર ક્રાઈમ અંતર્ગત ૧૦ જેટલા ગુનાઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે, જેમાં રૂ. ૩૨ લાખથી વધુની સાઇબર ઠગાઈ થયાનું સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસનો દોર વધુ તેજ કર્યો છે.

ડિજિટલ યુગમાં ટેકનોલોજીના વ્યાપ સાથે સાયબર ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ફાઈનાન્સિયલ ફ્રોડ અને સોશિયલ મીડિયા ફ્રોડના અનેક કેસો નોંધાયા હતા, પરંતુ હવે મ્યુલ હંટ સાયબર ક્રાઈમ નામનો નવો અને ગંભીર પ્રકાર સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચિંતિત બની છે. ખાસ કરીને ગુજરાતભરમાં મ્યુલ હંટ સાયબર ફ્રોડના એક પછી એક કેસો નોંધાતા સાયબર માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ શું છે?

મ્યુલ હંટ સાયબર ક્રાઈમ અંતર્ગત સાયબર ગુનાઓ આચરતી ગેંગો કમિશનની લાલચ આપી સામાન્ય લોકોના બેંક ખાતા ભાડે લે છે. દાહોદ જિલ્લામાં રહેતા કેટલાક લોકોને રૂ. ૫,૦૦૦, ૧૦,૦૦૦ અથવા તેનાથી વધુ કમિશનની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ દેશભરના વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઈમથી મળેલી રકમ આ લોકોના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હતી.

આ રકમ પછી બેંકમાંથી ઉપાડી આંગડિયા અથવા હવાલા મારફતે સાયબર ગુનાઓ આચરતી ગેંગ સુધી પહોંચાડવામાં આવતી હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ પૈસામાંથી મોટો હિસ્સો દેશ બહાર ભારત વિરોધી તાકાતો સુધી પહોંચતો હતો, જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું માનવામાં આવે છે.


દાહોદ જિલ્લામાં ૧૦ ગુનાઓ, રૂ. ૩૨ લાખથી વધુની ઠગાઈ

મ્યુલ હંટ સાયબર ફ્રોડની તપાસ માટે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંધીનગર CID ક્રાઈમ, ગુજરાત રેલવે પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી. તપાસ દરમિયાન દેશભરના અનેક સાયબર ગુનાઓના ફંડ ફ્લોનું જોડાણ દાહોદ જિલ્લામાં પહોંચતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

આ અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદમાંથી ૪, ઝાલોદમાંથી ૨, દેવગઢ બારીયામાંથી ૨, સંજેલીમાંથી ૧ અને મણિમાંથી ૧ મળી કુલ ૧૦ અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. આ તમામ કેસોમાં અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે રૂ. ૩૨ લાખથી વધુની રકમની ગેરકાયદે હેરફેર થયાનું બહાર આવ્યું છે.


તમામ આરોપીઓની ધરપકડ, પૂછપરછ ચાલુ

પોલીસે આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. સાથોસાથ પૈસાની હેરફેરના નેટવર્ક, હવાલા કડીઓ અને દેશ બહાર સુધીના કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આવનારા દિવસોમાં આ પ્રકરણમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ લાલચમાં આવી પોતાનું બેંક ખાતું ભાડે ન આપવું, નહીં તો કાયદેસરની કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

Most Popular

To Top