ઉસરવાણમાં સીડીઓ પરથી પડતા મોત, સંજેલીમાં કુવામાં ડૂબી જતાં જીવ ગયો
દાહોદ | તા. 30 |
દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા આકસ્મિક મોતના બે અલગ અલગ બનાવોમાં બે આધેડોના દુઃખદ અવસાન થયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટીંડુરી ફળિયામાં બન્યો હતો. અહીં રહેતા પ્રવીણભાઈ બચુભાઈ કતીજા (ઉં. 45) પરમદિવસે રાત્રે આશરે 8:30 વાગ્યાના અરસામાં પોતાના રહેણાંક મકાનની સીડીઓ પરથી અકસ્માતે પગ લપસી જતા પડી ગયા હતા. પડતાં જ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેઓ બેભાન બની ગયા હતા. પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મરણ જનારના ભાઈ દ્વારા દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
બીજો બનાવ સંજેલી તાલુકાના જુસા ગામના લાલાના મુવાડા ફળિયામાં બન્યો હતો. અહીં રહેતા સંતોષભાઈ લાલાભાઈ ગણાસવા (ઉં. 45) પરમદિવસે રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં ખેતરમાં આવેલા કૂવામાંથી પાણીની મોટર કાઢવા માટે ઘરેથી નીકળ્યા હતા. કૂવામાંથી મોટર કાઢતી વખતે તેઓ અકસ્માતે કૂવામાં ખાબકી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. રાત્રે ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે સવારે આશરે 6 વાગ્યાના સમયે તેમની લાશ કૂવામાંથી મળી આવી હતી. આ અંગે મૃતકની પત્ની દ્વારા સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
બંને બનાવોમાં પોલીસ દ્વારા પંચનામું કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : વિનોદ પંચાલ :