Dahod

દાહોદ જિલ્લાની બેંકોમાં નાણાંની તંગીથી હાલાકી: પોતાના જ પૈસા માટે ભટકતા લોકો

લીમખેડા અને સિંગવડમાં કેશનો કકળાટ, ખાતેદારો પરેશાન

.લગ્ન મોસમમાં ચાંદલા પ્રથાને અસર, ગરીબ પરિવારો પર વધારાનો બોજ
લીમખેડા, સિંગવડ: દાહોદ જિલ્લાના લીમખેડા અને સિંગવડ તાલુકાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં રોકડ રકમની ભારે તંગી સર્જાતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. પોતાના જ બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે લોકો વારંવાર બેંકના ધક્કા ખાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રાહકોને “હાલ કેશ નથી, કાલે આવો” જેવા જવાબો મળતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને બેંકિંગ વ્યવહાર તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે, છતાં બેંકોમાં આવી પરિસ્થિતિ ઊભી થવી ગંભીર પ્રશ્ન બની છે.
હોળી બાદ દાહોદ જિલ્લામાં આદિવાસી અને બક્ષી સમાજમાં લગ્ન મોસમ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમાજમાં ચાંદલા પ્રથામાં રોકડ વ્યવહારનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ બેંકોમાં પૂરતી કેશ ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને બજારમાંથી ઊંચા વ્યાજે રૂપિયા લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે ગરીબ પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બેંકોમાં પૂરતી રકમ જાળવવાની જવાબદારી હોવા છતાં કેશની અછત સતત જોવા મળી રહી છે. જિલ્લા અને તાલુકા સ્તરે નિયુક્ત લીડ બેંક મેનેજર દ્વારા આવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા જોઈએ, છતાં તંત્ર મૌન હોવાનું લોકોનું કહેવું છે.
સ્થાનિકોએ સરકાર અને સંબંધિત અધિકારીઓને માંગ કરી છે કે બેંકોમાં પૂરતી કેશ ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખાતેદારોને ધક્કા ન ખાવા પડે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

રિપોર્ટર: દિનેશ શાહ, કલ્પેશ શાહ

Most Popular

To Top