Dahod

દાહોદ: જમીન કૌભાંડમાં નિર્દોષો ના દંડાય તે માટે સંગઠન રચાયું


સંગઠનના પ્રતિનિધિ મંડળની કલેકટર સાથે રૂબરૂ ગંભીર ચર્ચા

જમીન કૌભાંડ બાદ છેલ્લા લાભાર્થીને બચાવવા રચાયેલા સંગઠનને સમાહર્તાનો પણ પરામર્શ બાદ સકારાત્મક પ્રતિભાવ

જમીન એનએના નકલી હુકમો કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ કિસ્સામાં જન સામાન્યએ માંડ મેળવેલુ ઘર બચાવવા એક સંગઠનની રચના કરવામા આવી છે.nઆ સંગઠનના પ્રતિનિધિ મંડળે કલેક્ટરની મુલાકાત કરી છેલ્લો લાભાર્થી ખોટી રીતે ન દંડાય તેને કેન્દ્રમાં રાખી કોઈ પણ કાર્યવાહી કરવામા આવે તેવી ગંભીર રજૂઆત કરી હતી.
દાહોદમાં જમીનો નકલી હુકમોથી બીન ખેતી કરવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થતા કેટલાક આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા હોવાથી ઘણાના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. બીજી તરફ આ કૌભાંડ બહાર આવતા રિયલ એસ્ટેટ માર્કેટ કડડભૂસ થઈ ગયુ છે અને તેને કારણે નાણાકીય વ્યવહારો અટકી પડતાં માર્કેટમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. તેવા સમયે પ્રાંત અધિકારીએ 175 કરતા વધુ સર્વે નંબરોને શંકાસ્પદ જાહેર કરતા કેટલાક બિલ્ડરો અને રહેણાકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કારણ કે આવી ઘણી જમીનોમા મકાનો બનાવીને વેચી પણ દીધા છે અને તેમા મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરી રહ્યા છે. આવી જમીનોમા જે પણ ગોટાળા કરવામા આવ્યા હશે તો તે જમીન ખરીદનાર, સ્કીમ મુકનાર કે મકાન ખરીદનારને ખબર જ નથી. કારણ કે જે તે સમયે તમામ હુકમો અને નોંધો બતાવીને જ સોદા કરવામા આવેલા હતા પરંતુ તેમા જાલી હુકમો હોવાની કોઈને ભનક પણ આવી ન હતી. આવા કિસ્સાઓમા જે છેલ્લે ગમે તેમ કરીને લોન લઈને કે ઉધાર ઉછીના કરીને પોતાના ઘરના ઘરનુ સપનુ પુરુ કરનારા ગરીબ પરિવારો આજે થર થર કાંપી રહ્યા છે. આવા નિર્દોષ લોકો કૌભાંડીઓને કારણે ભોગ ન બને તેવા હેતુથી શહેરના જાગૃત નાગરિકોએ એક સંગઠન બનાવ્યુ છે અને આ સંગઠનના પ્રતિનિધિ મંડળે ગુરુવાર તારીખ 26ના રોજ કલેકટર યોગેશ નિરગુડે સાથે રૂબરૂ મુલાકાત લઈ પાડા ના વાંકે પખાલીને ડામ ન દેવાય અને છેલ્લો લાભાર્થી આ કૌભાંડનો ભોગ ન બને તેવી નીતિ રાખી કાર્યવાહી કરવા ગંભીર રજૂઆત કરી હતી. કલેકટર સાથે પ્રતિનિધિ મંડળે પરામર્શ કર્યો હતો.કલેકટરે પણ સમગ્ર ચર્ચા ગંભીરતાથી કરીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

Most Popular

To Top