દાહોદ:
દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરી થયેલા ચાંદીના દાગીના કિંમત રૂા.૩૩,૦૮૦ના મુદ્દામાલ સાથે જિલ્લા, જિલ્લા બહારના તથા રાજ્ય બહારના ઘરફોડ ચોરીના ૦૭ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેમજ જિલ્લા તથા રાજ્ય બહારના ઘરફોડ ચોરીના ૦૫ ગુન્હાઓમાં નાસતા ફરતા ૦૨ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ગત તા.૨૩મી એપ્રિલના રોજ પોલીસે દાહોદના નગરાળા ચાર રસ્તા ઉપર એક શંકાસ્પદ ઈસમ ઉભેલ હતો. તેની પોલીસે આયોજનબધ્ધ રીતે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી સફેદ ધાતુના દાગીના મળી આવ્યાં હતાં. પોલીસે તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં ઝડપાયેલ ઈસમ વિનોદભાઈ લાલાભાઈ ભાભોર (રહે. માતવા, મખોડીયા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ)નો પોલીસની પુછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેને કબુલ્યું હતું કે, આજથી બે અઢી માસ પહેલા પોતે પોતાના સાગરીતોની સાથે ભેગા મળી ઝાલોદ નજીક આવેલ ધાવડીયા ગામે એક બંધ મકાનના દરવાજનું તાળુ તોડી અંદર મુકી રાખેલ તિજાેરીમાંથી ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરી હતી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી ઝડપાયેલ ઉપરોક્ત આરોપીના વધુ એક સાગરીત શૈલેષભાઈ ઉર્ફે શૈલો ખુમસીંગભાઈ ગણાવા (રહે.વજેલાવ, ગણાવા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ)ને પણ તેના આશ્રય સ્થાનેથી પોલીસ ઝડપી લાવી હતી. ઉપરોક્ત બંન્ને ઝડપાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ ચાંદીના દાગીના કિંમત રૂા.૩૩,૦૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. ઉપરોક્ત આરોપીઓ દ્વારા ઝાલોદની સાથે સાથે દાહોદ, પંચમહાલ, રાજસ્થાનના વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પોલીસની પુછપરછમાં આરોપીઓ દ્વારા કબુલાત કરવામાં આવી હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–