લીમખેડા:
દાહોદ–અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. લીમખેડા નજીક 26 માઈલ સ્ટોન પાસે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ નિયંત્રણ ગુમાવી વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ કાર દાહોદ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ટ્રેક્ટરને બચાવવાના પ્રયાસમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર પહેલા ડિવાઇડર પર ચઢી ગઈ અને ત્યારબાદ રોડની બાજુ આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રીજા વ્યક્તિને સારવાર માટે લીમખેડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પૂનાના રહેવાસી અલીશેખ ચૌધરી અને સચિન બિરાદાર તરીકે થઈ છે, જ્યારે ત્રીજા મૃતકની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.