Dahod

દાહોદમાં 6.34 કરોડનું એસબીઆઈ લોન કૌભાંડ :31 આરોપીઓ સામે પોલીસે દાખલ કરી 9000 પાનાની ચાર્જશીટ

દાહોદ :
દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બે અલગ અલગ શાખાઓમાં થયેલા રૂ. 6.34 કરોડના લોન કૌભાંડના ગુનાનો ભેદ આખરે ખુલ્લો પડી ગયો છે. પોલીસે લાંબી અને વિસ્તૃત તપાસ બાદ કુલ 9000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. આ કૌભાંડમાં કુલ 31 આરોપીઓ, જેમાં બેન્કના પૂર્વ મેનેજરો, એજન્ટો અને લોનધારકોનો સમાવેશ થાય છે.

માહિતી મુજબ, આરોપીઓએ નકલી પગાર સ્લિપ્સ, બોગસ દસ્તાવેજો અને ખોટી ઓળખનો ઉપયોગ કરીને બેન્કમાંથી ગેરરીતે લોન મેળવવાનો કાવતરું રચ્યું હતું. જુલાઈ 2025માં બહાર આવેલ આ પ્રકરણમાં દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે બે અલગ ફરિયાદો નોંધાઈ હતી.

પ્રથમ કેસમાં એસબીઆઈની એક શાખાના બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંહ બેદી અને 19 લોનધારકો સામે ગુનો નોંધાયો હતો, જ્યારે બીજા કેસમાં એસબીઆઈ સ્ટેશન રોડ શાખાના મેનેજર મનીષ વામનરાવ ગવલે અને 10 લોનધારકો સંડોવાયા હતા. કૌભાંડ સમયગાળો 1 સપ્ટેમ્બર 2021 થી 20 જૂન 2024 વચ્ચેનો હોવાનું બહાર આવ્યું છે.

બેન્કની આંતરિક તપાસ બાદ અધિકારી નિતિન ગોપીરામ પુડીંગે દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસએ ગુનાની તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ બનાવટી શિક્ષક, એસ.ટી. ડ્રાઇવર વગેરે તરીકે ખોટી ઓળખ બનાવી હતી. લોન મેનેજમેન્ટ સિસ્ટમ (RLMS)માં નેટ સેલેરીના બદલે ગ્રોસ સેલેરીની ખોટી એન્ટ્રી કરીને વધુ રકમની લોન મંજૂર કરવામાં આવી હતી.

તે ઉપરાંત, કેટલાક કેસોમાં NPA કે ઓવરડ્યુ ખાતા હોવા છતાં મેનેજરોએ નિયમોનું ઉલ્લંઘન કરીને લોન મંજૂર કરી હતી. આરોપીઓએ નોકરીનું સ્થળ ખોટું બતાવ્યું અને દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના બેન્ક અધિકારીઓએ મોટી લોન રકમ મંજુર કરી દીધી.

પોલીસે તમામ પુરાવા, દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને બેન્ક રેકોર્ડ સાથે ચાર્જશીટ તૈયાર કરી. ચાર્જશીટના ઝેરોક્ષ માટે જ પોલીસને 28 હજાર રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે જ દાહોદના નકલી એન.એ. કેસમાં પણ 2600 અને 6370 પાનાની ચાર્જશીટો મળી કુલ 8970 પાનાની નોંધ કોર્ટમાં કરવામાં આવી હતી.

આ સમગ્ર કૌભાંડ દાહોદ જિલ્લાના બેન્કિંગ સિસ્ટમમાં મોટી ખામીઓ અને ભ્રષ્ટાચારના જાળનું ઉદાહરણ ગણાય છે. હવે કોર્ટમાં આ કેસની કાર્યવાહી શરૂ થશે અને દોષિતોને કાયદેસર સજા થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top