કાળી તળાઈ નજીક ગરનાળામાંથી લાશ મળી આવતાં મેડિકલ ક્ષેત્રમાં શોકની લાગણી
દાહોદ, તા. 22
દાહોદ શહેરમાં ૨૫ વર્ષીય યુવા તબીબ ડૉ. ભાર્ગવ ઉમેશ રોઝે અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બે દિવસથી ગુમ રહેલા ડોક્ટરની લાશ કાળી તળાઈ નજીક આવેલા ગરનાળામાંથી મળી આવતા ઘટનાએ ગંભીર વળાંક લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડૉ. ભાર્ગવ રોઝ છેલ્લા બે દિવસથી ગુમ હતા. પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન કાળી તળાઈ નજીક ગરનાળામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, યુવા ડોક્ટરે પોતાના હાથમાં કાપા મારી જીવન ટૂંકાવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાને પગલે મેડિકલ ક્ષેત્રમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પુત્રના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. બીજી તરફ, યુવા તબીબે આવું આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાના સાચા કારણો જાણવા માટે પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપી રહી છે.
રિપોર્ટર::વિનોદ પંચાલ