અગ્ર સચિવ મિલિન્દ તોરવણેના અધ્યક્ષસ્થાને શિક્ષણ ગુણવત્તા, PARAKH અને FLN પર ઊંડાણપૂર્વક ચર્ચા
લીમખેડા:
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક)ના અગ્ર સચિવ મિલિન્દ તોરવણે (IAS)ના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લામાં શાળા શિક્ષણની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે (IAS) તથા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા (IAS) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ડાયટ, દાહોદ દ્વારા PARAKH મૂલ્યાંકન અને જિલ્લાની ભાવિ શિક્ષણ વ્યૂહરચનાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. PARAKHના પરિણામોના આધારે જિલ્લાની શિક્ષણ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પાયાની સાક્ષરતા અને ગુણવત્તા પર ભાર
બેઠકમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN), શાળા ગુણવત્તા, પાઠ્યપુસ્તકો, આવશ્યક શૈક્ષણિક સાહિત્ય, મોનીટરીંગ-માર્ગદર્શન અને શિક્ષણ વ્યવસ્થાની વહીવટી સરળતા જેવા મહત્વના મુદ્દાઓ પર પ્રશ્નોતરી સાથે ચર્ચા કરવામાં આવી હતી. શાળા કક્ષાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે TPEO, BRC, CRC તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
વાંચન, લેખન અને ગણન કૌશલ્યને મજબૂત બનાવવા માટે શાળાઓમાં અમલમાં મૂકવામાં આવતી પ્રવૃત્તિઓ તથા તેમની અસરકારક અમલવારી માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
“પાયાના પ્રકાશ” કાર્યક્રમ અંગે આશાવાદ
જિલ્લામાં આગામી વર્ષ 2026-27 માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરતાં “પાયાના પ્રકાશ” કાર્યક્રમ અંતર્ગત સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે લેવામાં આવનારા પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડાયટ અને જિલ્લા સ્તરે કરવામાં આવેલી નવી પહેલોની પ્રશંસા સાથે અગ્ર સચિવે સંતોષ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ ટીમની વ્યાપક ઉપસ્થિતિ
આ બેઠકમાં શિક્ષણાધિકારી એસ.એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એ. બારીયા, ડાયટ પ્રાચાર્ય રાજેશભાઈ મુનિયા, સમગ્ર ડાયટ ફેકલ્ટી, કેળવણી નિરીક્ષકો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, તમામ BRC કો-ઓર્ડિનેટરો, પસંદગીના શિક્ષકો તથા SSA ટીમના સભ્યો હાજર રહ્યા હતા.
આ સમીક્ષા બેઠકથી દાહોદ જિલ્લામાં શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ મજબૂત દિશા નિર્ધારિત થઈ હોવાનું શિક્ષણ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું.
રિપોર્ટર: દિનેશ શાહ,