દાહોદ :
દાહોદ શહેર સહિત જિલ્લામાં અસહ્ય ગરમી વધવા માંડી છે. એપ્રિલ માસના પ્રારંભ સાથે સુર્યનારાયણે પોતાનું રોદ્ર રૂપ ધારણ કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ગરમીનો પારો જેમ જેમ ઉંચો જઈ રહ્યો છે તેમ તેમ લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો અડધો એપ્રિલ અને બાદમાં મે અને જુનની ગરમી પણ બાકી છે ત્યારે આ સમયગાળા દરમ્યાન કેવી હાલત થશે, તે વિચારની પણ જિલ્લાવાસીઓ પરસેવે રેબઝેર થઈ જાય છે. ત્યારે ઘણા સેવાભાવી લોકો દ્વારા લોકો માટે પાણીની પરબો અને ખાસ કરીને આવી કાળઝાળ ગરમીમાં જાહેર માર્ગાે પર રખડતા મુંગા પશુઓને પાણીની સુવિધા પુરી પાડી રહ્યાં છે.
સવારના આઠ વાગ્યાથી જ સુર્યનારાયણે પોતાનું રોદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીનો પારો ઉંચો જતો જાેવા મળી રહ્યો છે. બપોરે તો કાળઝાળ ગરમીને કારણે શહેરના જાહેર માર્ગો સુમસામ જાેવા મળી રહ્યાં છે. લોકો બપોર બાદ કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે. તેમ છતાંય જાે કોઈ કામ હોય તો માથે ટોપી અને ચશ્મા લગાવી પસાર થવાનો લોકોને વારો આવ્યો છે. આવા સમયે કાળઝાળ ગરમીને કારણે શહેરમાં ઠંડાપીણાની લારીઓ પણ ગોઠવાઈ ગઈ છે. કાળઝાળ ગરમીને પગલે હવે તો પંખા, કુલર, એસી જેવા ઠંડક આપતાં સાધનો પણ આવી ગરમીમાં વામણા પુરવાર સાબીત થઈ રહ્યાં છે. આવી ગરમીમાં માનવ જાત તો ઠીક પશુ, પક્ષીઓ પર પણ તેની અસર જાેવા મળી રહી છે. કાળઝાળ ગરમીને પગલે રખડતા પશુઓ વૃક્ષ જેવા છાંયડા નીચે બેસતા જાેવા મળી રહ્યાં છે. ઘણા જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ, પક્ષીઓને આવી કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે માટે પોત પોતાના રહેણાંક વિસ્તારો તેમજ ધંધાકીય આલમની છત પર તેમજ બહાર પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ દાહોદ શહેરમાં પડાવ, દૌલતગંજ બજાર, સ્ટેશન રોડ, ગોદી રોડ જેવા જાહેર માર્ગો તરફ લોકોને પાણી મળી રહે તે માટે કેટલાંક સેવાભાવી લોકો દ્વારા પાણીની પરબો પણ ગોઠવી દેવામાં આવી છે. સાંજ પડતાંની સાથે લોકો બાગ, બગીચાઓમાં હરતા ફરતા પણ જાેવા મળી રહ્યાં છે. બીજી તરફ આવી કાળઝાળ ગરમીથી બચવા લોકો અવનવા ઉપાયો પણ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ આવી કાળઝાળ ગરમીને પગલે સાવચેતીના ભાગરૂપે લોકોને આરોગ્ય સંબંધિત સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. દાહોદ શહેરમાં એક સેવાભાવી વ્યક્તિ દ્વારા દાહોદ શહેરમાં રખડતા મુંગા પશુઓને પાણી મળી રહે તે માટે સ્વખર્ચે એક છોટા હાથીમાં એક હજાર લીટરની પાણીની ટાંકીની વ્યવસ્થા કરી અને તેમાંય ચાર કામદારો રાખી જ્યાં રખડતા પશુઓ જાેવાય તેઓને પાણી પીવડાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ દાહોદમાં સંબંધિત વહીવટી તંત્ર દ્વારા તો આવી કોઈ માનવ જાત માટે અને મુંગા પશુઓ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે ઘણા સેવાભાવી લોકો દ્વારા જળ સેવા એ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરી નિ:સ્વાર્થ ભાવે પાણી પીવડાવવાની કામગીરી કરી રહ્યાં છે.
————————————————-