Dahod

દાહોદમાં રખડતા આખલાનો આતંક: ગોદી રોડ વિસ્તારમા બે બાળકો સાથે જતા યુવક પર હુમલો, સ્થાનિકોએ બચાવ્યો જીવ


દાહોદ તા.૦૩

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં રખડતા આખલાઓએ એક યુવક અને બે બાળકોને નિશાન બનાવ્યા છે. સેન્ટમેરી સ્કૂલ નજીક બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક યુવક એક બાળકને ઊંચકીને અને બીજા બાળકનો હાથ પકડીને જઈ રહ્યો હતો. રસ્તામાં બેઠેલા આખલાઓએ અચાનક તેમના પર હુમલો કર્યો. હુમલામાં યુવક બાળક સાથે જમીન પર પડી ગયો હતો. બેથી ત્રણ આખલાઓએ એકસાથે હુમલો કર્યો હતો. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. તેમણે પાણી છાંટીને અને લાકડીઓથી આખલાઓને ભગાડ્યા હતા. જો સ્થાનિક લોકો મોડા પડ્યા હોત તો યુવક અને બાળકોને ગંભીર ઈજાઓ થઈ શકી હોત. શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રહીશો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. શહેરીજનોએ નગરપાલિકાને અનેક વાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે. પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં નગરપાલિકા રખડતા ઢોરોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.

Most Popular

To Top