Dahod

દાહોદમાં મિત્રતાની આડમાં ખંડણીનો ખતરનાક બનાવ

નવા વર્ષની પાર્ટીના બહાને યુવકને ગોંધી માર માર્યો, પરિવાર પાસે 50 હજારની માંગ
બી-ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ
(દાહોદ, તા. 2 | પ્રતિનિધિ:
દાહોદ જિલ્લામાં મિત્રતાનો વિશ્વાસ દગો આપતો ગંભીર બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના વતની અને ફર્નિચર કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ નવા વર્ષની પાર્ટીના બહાને એક મકાનમાં લઈ જઈ ગોંધી રાખી માર માર્યો હતો અને વીડિયો કોલ મારફતે તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. સમયસૂચક કાર્યવાહીથી દાહોદ બી ડિવિઝન પોલીસે યુવકને સલામત રીતે મુક્ત કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.

મૂળ રાજસ્થાનનો શ્યામલાલ રોજગાર અર્થે દાહોદ આવ્યો હતો, જ્યાં તેની દાહોદના શંકર સાંસી સાથે મિત્રતા થઈ હતી. મિત્રતાની આડમાં શંકર અવારનવાર નાની-મોટી રકમ ઉછીની લેતો હતો. બાદમાં બંગલાના ફર્નિચર કામની લાલચ આપી વિશ્વાસ જીત્યો હતો અને ખોટી સોનાની વીંટી ગિરવે મૂકી રૂપિયા લાવવાની વાત કરી હતી.
દાહોદનું કામ પૂરું થતાં શ્યામલાલ અમદાવાદ કામ શોધવા ગયો હતો. એ દરમિયાન શંકરે વીંટી પરત આપવાની વાત કરીને તેને ફરી દાહોદ બોલાવ્યો. નવા વર્ષની પાર્ટીના બહાને શંકર સાંસી, કૃણાલ સાંસી અને તોશિફ અંસારી ત્રણેયે યુવકને એક મકાનમાં લઈ જઈ ગોંધી રાખ્યો, માર માર્યો અને તેના મોબાઇલ પરથી પરિવારને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી.
યુવકે ચતુરાઈપૂર્વક પોતાનું લોકેશન પરિવારને મોકલ્યું. પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા પી.આઈ. સહિતની ટીમ સ્થળે પહોંચી યુવકને મુક્ત કર્યો અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top