દાહોદ:
દાહોદ શહેર જિલ્લામાં લાંબા સમય બાદ ફરીવાર મેઘરાજા મહેરબાન થયા અને શહેરને પાણી પાણી કરી દીધું હતું નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા પુનઃ મહેરબાન થતાં બે દિવસમાં દાહોદમાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. ગતરોજ રાત્રીના સમયે વીજળીના કડાકા, ધડાકા સાથે વરસાદ પડતાં દાહોદના તમામ રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સ્થળોએ પુનઃ એકવાર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.
ગુજરાત રાજ્યના કેટલાંક જિલ્લામાં ત્રણ દિવસ માટે વરસાદી માહૌલ વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં બે દિવસથી અવિતરત વરસાદ પડતાં તમામ સ્થળોએ વરસાદી પાણી જાેવા મળી રહ્યાં છે. ગતરોજ રાત્રીના સમયે વીજળીના કડાકા, ધડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં દાહોદ શહેરના જાહેર રસ્તાઓ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયાં હતાં. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દાહોદ સ્માર્ટ સીટીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. જાહેર રસ્તાઓ ખખડધજ થઈ ગયાં છે. રસ્તાઓ પાણીથી તરબોળ થઈ જતાં લોકોને ચાલતા તેમજ વાહન લઈ પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં આવતાં જતાં મુસાફરોને પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં પણ વરસાદ પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ કરીને ખેડુત મિત્રોમાં ચિંતાના વાદળો જાેવા મળી રહ્યાં છે. ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ખેડુતોના મકાઈ, ડાંગ, સોયાબીન, શાકભાજી જેવા પાકોમાં જીવાતો પડી જવાને કારણે તેમજ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાને કારણે ઉભા પાકો પડી ગયાં છે. ખેડુતો દ્વારા સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યાં છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા જિલ્લામાં ખેતરોના સર્વે હાથ ધરી નુકસાન થયેલ ખેડુતોને સહાય આપે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. તો બીજી તરફ ગઈકાલના ભારે વરસાદને પગલે કરોડના ખર્ચે બનાવવામાં આવેલ દાહોદથી ચિત્તોડગઢ (રાજસ્થાન)ને જાેડતા નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ નેશનલ હાઈવે પર ખાડાઓ પણ પડી ગયાં છે. અવાર નવાર આસપાસના ગ્રામજનો દ્વારા આ મામલે સ્થાનીક વહીવટી તંત્ર તેમજ નેશનલ હાઈવે ઓથોરીટીને અનેકવાર લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાંય કોઈ નક્કર પ્રકારની કામગીરી કરવામાં ન આવતાં લોકોને હાલ પારાવારા મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેની સાથે સાથે આ નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આસપાસના વિસ્તારોમાં આવેલ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ખેડુતોના ઉભા પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે.