દાહોદ:
દાહોદ શહેરમાં જમીનોમાં પ્લોટો પાડી સરકારની તિજાેરીમાં પ્રીમીયમ ની રકમ ન ભરી સરકાર સાથે ઠગાઈ, વિશ્વાસઘાત કર્યાની વધુ એક ફરિયાદ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે જેમાં દાહોદના એક ઈસમની સાથે સાથે દાહોદના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનો ખોટા હુકમ કરનાર ઈસમો વિરૂધ્ધ ખુદ દાહોદના પ્રાંત અધિકારી એન.બી. રાજપુત દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં આવનાર દિવસોમાં આ કર ચોરીના ગુન્હામાં મોટા માથાઓની પોલીસ તપાસમાં સંડોવણી બહાર આવવાની પુરેપુરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાહોદના પ્રાંત અધિકારી એન.બી. રાજપુત દ્વારા દાહોદ એ ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, દાહોદ શહેરના મોટાઘાંચીવાડા વિસ્તારમાં રહેતો હારૂનભાઈ રહીમભાઈ પટેલ તથા તેની સાથેના અન્ય મળતીયાઓ દ્વારા ભેગા મળી આગોતરૂ આયોજન કરી તા.૧૬.૦૮.૨૦૧૬થી તારીખ ૨૧.૧૨.૨૦૧૬ના સમયગાળા દરમ્યાન નાયબ કલેક્ટર અને પ્રાંત કચેરી દાહોદ ખાતે રેવન્યુ સર્વે નંબર ૩૭૬/૧/૧ પૈકી ૪ ક્ષેત્રફળ હે.આરે. પ્ર. ૦-૩૬-૦૩ વાળી જમીન બિન ખેતીની ન હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરીનાપત્ર નંબરઃજમન/હકપ/વશી/૧૧૫૫૩ તા.૨૧.૧૨.૨૦૧૬થી દાહોદના કસ્બા તાલુકાના રેવન્યુ સર્વે નંબર ૩૭૬/૧/૧ પૈકી ૪ ક્ષેત્રફળ હે.આરે.પ્ર. ૦-૩૬-૦૩ વાળી બીનખેતીની જમીનનું સીટી સર્વે દાખલ થતાં સમયે તેનું પ્રોપર્ટી કાર્ડ દાખલ કરવા હુકમ કરવામાં આવે છે તે પ્રાંત અધિકારી દાહોદના નામનો હુકમ ખોટો ઉપજાવી કાઢી બનાવટી બનાવી સીટી સર્વે કચેરી દાહોદ ખાતે પ્રોપર્ટી કાર્ડ દાખલ કરવા સીટી સર્વે કચેરી દાહોદના સંબંધીત કર્મચારી/અધિકારીઓને પાકો ભરોસો અને વિશ્વાસ આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સીટી સર્વે નંબર એનએ ૩૭૬/૧/૧ પૈકી ૪ ક્ષેત્રફળ ૩૬૦૩ ચો.મી. સત્તા પ્રકાર-સી થી પ્રોપર્ટી કાર્ડ બનાવેલ છે. ઉપરોક્ત ઈસમની સાથે સાથે શૈષવ શીરીષ પરીખની પણ સંડોવણી છે જેની સાથે તેની પત્નિનું નામ પણ બહાર આવ્યું છે ત્યારે જે આધારે તેઓએ સદર પ્રશ્નવાળી ખેતીલાયક જમીન હોય તેને બીન ખેતીની કરવા બાબતે કોઈપણ કાર્યવાહી ન કરી તે જમીનમાં પ્લોટો પાડી અલગ અલગ ઈસમોને વેચાણ કરી સરકારનાઓને પ્રીમીયમની રકમ ન ભરી સરકાર સાથે ઠગાઈ, વિશ્વાસઘાત કરી હતી.
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાયા
આ ગુન્હમાં સંડોવાયેલ આરોપીઓ ઝકરિયાભાઈ મહેમુદભાઈ ટેલર અને હારૂનભાઈ રહીમભાઈ પટેલને આજરોજ દાહોદની કોર્ટમાં રજુ કરવામાં આવતાં કોર્ટ દ્વારા આ બંન્નેના તારીખ ૦૩ જુનને સાંજના ૦૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે. આ કેસમાં તપાસ ખાસ કરીને દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડા. રાજદિપસિંહ ઝાલોદના સીધે સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ દાહોદના ડિવાયએસપી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
શૈશવ પરીખની મહત્વની ભૂમિકા બહાર આવી
શૈષવ શીરીષ પરીખ સહિત તેની પત્નિના નામો પણ સામે આવ્યાં છે. જેમાં શૈષવ પરીખ મહત્વની ભુમીકા ભજવતો હોવાનું કહેવાઈ રહ્યું છે. શૈષવની સાથે સાથે તેના અન્ય સાગરીતો પણ આ કૌંભાંડમાં સામેલ હોવાનું છડેચોક કહેવાઈ રહ્યું છે ત્યારે પોલીસ તપાસ અને રિમાન્ડ દરમ્યાન શૈષવની સાથે અન્ય કેટલાંક ઈસમોનો સંડોવાયેલ હશે ? તેની પણ માહિતી બહાર આવવાની પુરેપુરી શક્યાતા જણાઈ રહી છે. દાહોદ શહેરમાં મોટાપાયેલ દલાલીનો ધંધો કરતાં આ ઝડપાયેલ ઈસમોના કારસ્તાન મોટા પાયે ચાલતાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જમીન ઉપરાંત દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ જાે જમીન મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક મોટા કૌંભાંડો બહાર આવે તેમ છે.
————————————–
