Dahod

દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત


દાહોદ, તા.18
રાજ્ય સરકારના આદેશ બાદ દાહોદ જિલ્લામાં નશાજન્ય માદક પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં દાહોદ પોલીસની વિવિધ ટીમોએ ચાર અલગ અલગ સ્થળે છાપા મારી ₹4.15 લાખથી વધુ કિંમતનો ગાંજો, અફીણ તથા નશા સહાયક સામગ્રી જપ્ત કરી નશાના વેપારીઓને સકંજામાં લીધા છે. યુવાનોને નશાના રવાડેથી બચાવવા રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ પગલાંના ભાગરૂપે દાહોદ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

દર્પણ રોડ પર પૂજારીના ઘરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

દાહોદ બી-ડિવિઝન પોલીસે દર્પણ રોડ, અંબા માતાના મંદિર પાસે મારવાડી ચાલમાં રહેતા પૂજારી ચેતનકુમાર મહેશકુમાર વર્માના મકાનમાં ઓચિંતો છાપો મારી 1.141 કિલોગ્રામ વજનનો ગાંજો (₹57,050) તથા ઇલેક્ટ્રિક વજન કાંટો કબજે કર્યો હતો. પોલીસે કુલ ₹57,550નો મુદ્દામાલ જપ્ત કરી પૂજારીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેને જેલમાં મોકલી આપ્યો છે.

યસ માર્કેટ સામે પ્રવાહી અફીણ સાથે ઘરધણી ઝડપાયો

દાહોદ ટાઉન એ-ડિવિઝન પોલીસે યસ માર્કેટ સામે ભોઈવાડામાં આવેલા અબ્બાસ (ગુલજીમ) કોમ્પ્લેક્સમાં છાપો મારી 71.97 ગ્રામ પ્રવાહી અફીણ (₹35,985) તથા મોબાઇલ મળી કુલ ₹45,985નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં મોહમ્મદ ઈકરામ ઉર્ફે નાઝીમ ઉસ્માનભાઈ અરબની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાઇવે પરથી SOGની કાર્યવાહી : ગાંજાભરી મારુતિ કાર પકડી

દાહોદ એસ.ઓ.જી પોલીસે ગોધરા–ઇન્દોર હાઈવે પર નસીરપુર ગામે ખેતલાઆપા ટી સ્ટોલ પાસે શંકાસ્પદ મારુતિ ઓમ ફોરવીલ કારની તલાશી લેતા 2.910 કિલોગ્રામ ગાંજો (₹1.30 લાખ) મળી આવ્યો હતો. સાથે કાર અને રોકડ મળી કુલ ₹2.33 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કાર ચાલક અનવર હુસેન ઉર્ફે ઝંડુ અલ્લાનૂર લખારાની ધરપકડ કરી તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.

નશા મુક્ત દાહોદ માટે પોલીસની કડક કાર્યવાહી

એક જ દિવસમાં અલગ અલગ ટીમો દ્વારા કરાયેલ આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દાહોદ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશાજન્ય માદક પદાર્થોના વેપાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈને બક્ષવામાં નહીં આવે.

Most Popular

To Top