પાંચ લાખ માટે ભાઈને ભુલાવ્યો, પોલીસને દોડાવી!
: ભોગ બનનાર જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ
દાહોદ, તા.6 | વિનોદ પંચાલ
દાહોદના છાપરી વિસ્તારમાં 3 ફેબ્રુઆરીની રાત્રે નોંધાયેલી સનસનાટીભરી અપહરણની ઘટનામાં પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. શરૂઆતમાં પાંચ વર્ષ જૂના માઉઝર હથિયાર કેસની અદાવતને કારણે અપહરણ થયાનું માનવામાં આવતું હતું, પરંતુ તલસ્પર્શી તપાસમાં ખુલ્યું કે સમગ્ર નાટક 26 વર્ષીય યુવકે પોતાના જ ભાઈ પાસેથી રૂપિયા પાંચ લાખ પડાવવા માટે રચ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ગરબાડાના ઝરી બુઝર્ગનો વતની અને હાલ ખરોડ ખાતે રહેતો રાહુલ નેવજીભાઈ સંગોડ 3 ફેબ્રુઆરીની રાત્રે ક્રિકેટ રમી પરત ફરી રહ્યો હતો. તે સમયે છાપરી રોડ પર સાઈ પેટ્રોલ પંપ પાસે સફેદ બોલેરો ગાડીમાં આવેલા શખ્સોએ તેનું અપહરણ કર્યું હોવાનું દર્શાવી તેના ભાઈ તથા વકીલ વિજયકુમાર સંગોડ દ્વારા દાહોદ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે, પાંચ વર્ષ પૂર્વેના માઉઝર કેસમાં નામ આપવાના કારણે બબલુ નામના શખ્સે અદાવત રાખી અપહરણ કરાવ્યું છે અને અગાઉથી ધમકીભર્યા ફોન પણ આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રાહુલને મધ્યપ્રદેશના કઠ્ઠીવાડાના એક વાડામાંથી હેમખેમ મુક્ત કરાવ્યો.
પરંતુ બાદમાં પોલીસે જ્યારે રાહુલની કડક પૂછપરછ કરી ત્યારે સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો. રાહુલે કબૂલાત કરી કે, પોતે જ ભાઈ પાસેથી પૈસા મેળવવા માટે ગુનેગારો સાથે મળીને અપહરણનું નાટક રચ્યું હતું અને અગાઉથી ધમકીભર્યા કોલ પણ પોતાની જ યોજના મુજબ કરાવ્યા હતા.
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી રાહુલ સંગોડ સહિત મધ્યપ્રદેશના અમિત બખતભાઈ બારીયા, કેશવભાઈ ધનસિંગ કનેસ અને બબલુ માલજીભાઈ ગણાવાની ધરપકડ કરી છે. ચારેયને દાહોદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટએ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
પૈસાની લાલચે પોતાના જ પરિવાર સાથે વિશ્વાસઘાત કરનાર યુવક અંતે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ