મોપેડ પર બાળક સહિત ત્રણ સવાર, નગરપાલિકાની બેદરકારી ફરી બહાર આવી
દાહોદ | તા. 14
દાહોદ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા પાણીના વાલ્વ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડાએ અકસ્માતને આમંત્રણ આપ્યું છે. ચાર થાબલા રોડ તરફથી બસ સ્ટેશન તરફ જઈ રહેલી મોપેડ પર સવાર બાળક સહિત ત્રણ લોકો મોપેડ સાથે અચાનક ખાડામાં પડી જતા એક મહિલાને ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિકોની મદદથી બાળક અને મહિલાઓનો બચાવ, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી મુજબ મહિલા મોપેડ ચાલક મોપેડ પર એક બાળક અને એક અન્ય મહિલાને બેસાડી જઈ રહી હતી. આ દરમિયાન સ્ટેશન રોડ પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ સીધો નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા આશરે ચાર ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો. બનાવ બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને ખાડામાં પડેલા બાળક સહિત બે મહિલાઓને બહાર કાઢી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળું ભેગું થયું હતું અને ખુલ્લા ખાડા અંગે નગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.
અહેવાલ: વિનોદ પંચાલ, દાહોદ