જીવ દયા ગ્રૃપ તેમજ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગાયને ભુગર્ભ ગટરમાંથી બહાર કઢાઈ
દાહોદ :
દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે ખુલ્લી ભુગર્ભ ગટરમાં એક ગાય પડી જતાં આ અંગેની જાણ જીવ દયા ગ્રૃપ તેમજ ફાયર ફાઈટરની ટીમને થતાં ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગાયને ભુગર્ભ ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

દાહોદ શહેરમાં હાલ ચોમાસાની ઋતુમાં જ્યાં જુઓ ત્યાં ખાબોચીયાઓ ભરાઈ ગયાં છે. થોડા દિવસો પહેલા દાહોદ શહેરમાં એકજ દિવસમાં પડેલા સાત ઈંચ જેટલા વરસાદને પગલે સમગ્ર દાહોદ શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તાઓ પર તેમજ ગલી, મહોલ્લા, સોસાયટી તેમજ દુકાનોમાં કેડ સમા પાણી ભરાઈ ગયાં હતાં. આ તમામ બાબતો વચ્ચે દાહોદ શહેરના ચોવીસે કલાક ધમધમતા અને હાર્દ સમાજ એવા સ્ટેશન રોડ વિસ્તાર ખાતે સ્માર્ટ સીટી અંતર્ગત બનાવવામાં આવેલી ભુગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લુ રહી જતાં આ ભુગર્ભ ગટરમાં એક ગાય પડી ગઈ હતી. આ અંગેની જાણ જીવ દયા ગ્રૃપને થતાં જીવ દયાની ટીમે ફાયર ફાઈટરને જાણ કરતાં ફાયર ફાઈટરની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. જીવ દયા ગ્રૃપની ટીમ અને ફાયર ફાઈટરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ભુગર્ભ ગટરમાં પડી ગયેલી ગાયનું રેશ્ક્યું કરી ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે દાહોદ શહેરમાં હાલ ચોમાસાની ઋતુમાં મુખ્યત્વે ભુગર્ભ ગટરોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. તે ભુગર્ભ ગટરોનું સમારકામ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. અગર જો આ ગાય પડી તે સ્થળે કોઈ માણસને હાની પહોંચી હોત તો શું થતું. પશુમાં પણ જીવ છે તો પશુને પણ કોઈ જાનહાની થતી તો તેની જવાબદારી કોણ લેતું ? આ સમગ્ર મામલે દાહોદ નગરપાલિકા તંત્ર આળસ ખંખેરી સાચા અર્થમાં પ્રજા હિતમાં કામ કરે તેવી લાગણી અને માંગણી દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.
————————————————